Site icon Gujarat Mirror

હાઇકોર્ટે નળસરોવરને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યુ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ

ગુજરાત હાઈકોર્ટે રાજ્યના સૌથી મોટા વેટલેન્ડ અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળ સરોવરની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે નળ સરોવરને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરીને ત્યાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ નળ સરોવર, નડાબેટ, થોળ તળાવ જેવા વેટલેન્ડ વિસ્તારોની સંરક્ષણ માટે કડક પગલાં ભરવાના નિર્દેશો પણ આપ્યા છે.

આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો જાહેર હિતની અરજી (PIL) તરીકે ચાલી રહ્યો છે, જેમાં નળ સરોવર સહિત રાજ્યના અન્ય રામસર સાઇટ્સની જાળવણી અને પ્લાસ્ટિક પ્રદૂષણના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર હાઈકોર્ટે આ વેટલેન્ડ્સના સંરક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે નળ સરોવર એ માત્ર પર્યટન સ્થળ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રામસર સાઇટ છે, જ્યાં અનેક પ્રજાતિના પક્ષીઓનું આશ્રયસ્થાન છે.

પરંતુ પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની બોટલો, નાસ્તાના પડીકા અને અન્ય પ્લાસ્ટિક કચરો ફેંકવાથી આ વિસ્તાર પ્રદૂષિત થઈ રહ્યો છે. કોર્ટે ખાસ ઉલ્લેખ કર્યો કે, લોકો નાસ્તાના પડીકા લઈને જાય છે અને ત્યાં જ ફેંકી દે છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક (બોટલ, થેલી, પેકેટ વગેરે)ના ઉપયોગ અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો.બોટિંગને કડક નિયમો હેઠળ ચલાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે ચેકપોઇન્ટ ગોઠવવા.પર્યટકો માટે નાસ્તો કરવા અને ખાવા-પીવાની વ્યવસ્થા માટે અલગ વિસ્તાર જાહેર કરવો, જેથી મુખ્ય વેટલેન્ડ વિસ્તારમાં કચરો ન ફેલાય.

ખંડપીઠે નોંધ્યું કે, નળ સરોવરમાં નાનકડા ટાપુઓ પર પણ પ્લાસ્ટિકની બોટલો જોવા મળે છે. કોર્ટે ભાર મૂક્યો કે આવા વિસ્તારોને મનોરંજનના સ્થળ તરીકે નહીં, પરંતુ પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તાર તરીકે જોવું જોઈએ.

Exit mobile version