ગુજરાત

સરકારના પરિપત્રની ઐસી-તૈસી : ચોકકસ સ્વેટર પહેરવા દબાણ

Published

on

રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ કરી નકકી કરેલા ગરમ કપડાં પહેરવા સૂચના : ચોકકસ સ્વેટર નહીં પહેરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બેસાડતા હોવાની ફરિયાદ


શિયાળાની શરૂઆત થતા સ્વેટરનો મુદો ઉછળ્યો હતો અને ખાનગી શાળાઓ ચોકકસ કલરના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓને દબાણ કરી શકશે નહી તેવા શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ લેખિત સુચના આપવામાં આવી હતી છતા પણ રાજકોટની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પરિપત્રનો ઉલાળ્યો કરી અને બાળકોને ચોકકસ સ્થળેથી શાળાના નકકી કરેલા સ્વેટર જ ખરીદી કરી અને પહેરવા દબાણ કરી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.
આ અંગે કોંગ્રેસના પ્રવકતા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે ચોકકસ કલરના સ્વેટર પહેરવા માટે દબાણ કરતી સ્કૂલની ફરિયાદ કરવા કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યાં છે તેના પર કેટલીક ફરિયાદો મળી છે અને વિદ્યાર્થીઓને નકકી કરેલા સ્વેટર પહેરવા દબાણ કરવામાં આવી રહયું છે.


વધુમાં કહયુ હતુ કે ભકિતનગર સર્કલ નજીક કેવડીયાવાડીમાં આવેલ ગૌતમ સ્કુલ દ્વારા વાલીઓને ઓફિસીય મેસેજ કરી ચોકકસ સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. આ વર્ષથી નવુ સ્વેટર લેવા માટે સુચના આપવામાં આવી છે તેવી ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી હતી ઉપરાંત શાળાના જ નામ વાળુ સ્કુલ બેગ જ લેવા માટે દબાણ કરાઇ રહયુ છે.


ઉપરાંત મહાત્મા ગાંધી અને આત્મીય સ્કુલના વિદ્યાર્થીઓની પણ ફરિયાદ મળી હતી જેમાં શાળા દ્વારા નકકી કરેલા સ્વેટર જે પહેરીને ન આવે તેવા વિદ્યાર્થીઓને કલાસ રૂમની બહાર બેસાડવામાં આવી રહયા છે. શાળાઓ દ્વારા ચોકકસ સ્વેટર પહેરવા માટે સતત દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ અને મગજ ઉપર તેની અસર પડી રહી હોવાની વ્યથા પણ હેલ્પલાઇન નંબરમાં વાલીઓ ઠાલવી રહયા છે તેમ અંતમાં રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ છે.

ચોકકસ દુકાનેથી જ સ્વેટર મળે, અન્ય જગ્યાએ ધકકા
આ અંગે વાલીએ જણાવ્યુ હતુ કે શાળાઓ દ્વારા ચોકકસ કલરના સ્વેટર માટે દબાણ કરવામાં આવે છે અને સ્વેટર કયાથી મળશે તેનુ એડ્રેસ પણ આપવામાં આવે છે તે દુકાન સિવાય અન્ય દુકાને સ્વેટર લેવા જઇએ ત્યારે ત્યા મળતુ નથી અને નકકી કરેલી દુકાને સ્વેટરના ભાવ 800 થી 1000 લેવામાં આવી રહયા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો
શાળાઓ દ્વારા વાલીઓને નકકી કરેલા સ્વેટર પહેરવાનો મેસેજ કરી દબાણ કરતા હોવાની ફરીયાદ કરતા આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને માત્ર નોટીસ આપી ખૂલાસો માંગી સંતોષ વ્યકત કર્યો છે પરંતુ સરકારના પરિપત્રમાં કડક કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે. જેની અમલવારી થતી હોય તેવું દેખાઇ રહયુ નથી તેમ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version