રાજકોટના આંગણે ફરી એકવાર ગુંજશે ‘બાગેશ્વર ધામ’નો નાદ

દેશ-વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહેલા બાગેશ્વર ધામ છતરપુર, એમ.પી.ના પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આગામી જૂન મહિનામાં રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સનાતન…

દેશ-વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહેલા બાગેશ્વર ધામ છતરપુર, એમ.પી.ના પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આગામી જૂન મહિનામાં રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગતો મુજબ તારીખ પ, 6 અને 7 જૂન રોજ રેસકોર્સ મેદાન ખાતે ત્રણ દિવસ સાંજે 7:30 વાગ્યે સનાતન સેતુ હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતાએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 3 વર્ષ બાદ રાજકોટના આંગણે આ પ્રકારનું ઐતિહાસિક આયોજન થઈ રહ્યું છે.

ભક્તો માટે બેઠક વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.
શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી માત્ર કથા જ નહીં, પરંતુ સમાજ સેવાના કાર્યોમાં પણ અગ્રેસર છે. છતરપુરમાં 200 કરોડના ખર્ચે 100 બેડની કેન્સર અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ગરીબોને નિ:શુલ્ક સારવાર મળશે. દર વર્ષે 300 ગરીબ અને નિરાધાર દીકરીઓના લગ્ન વૈદિક વિધિથી અને ધામધૂમથી કરાવી આપવામાં આવે છે. ’એક હિન્દુ, એક ગાય’ ના સૂત્ર સાથે ગૌસેવાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

વૈદિક ગુરુકુલ: ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટે આધુનિક શિક્ષણ સાથે વેદોનું જ્ઞાન આપતું ગુરુકુલ. ધામમાં આવતા હજારો ભક્તો માટે દરરોજ નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
સનાતન સંસ્કાર અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાના હેતુથી યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 7600 65 65 65 જાહેર કરવામાં આવ્યો છે.