વસતીગણતરી માટે રાજકોટ મનપા-જિલ્લામાં 7610 ગણતરીદારો-સુપરવાઈઝર્સ નિયુકત

1થી 30 જૂન દરમિયાન ગણતરીદારો કરશે ઘરોની ગણતરી: વસતીગણતરી માટે સ્વગણના પોર્ટલ પર વિગતો ભરવા અને સ્ટાફને સહયોગ આપવા જિલ્લા કલેકટરની અપીલ હાલમાં રાજ્યમાં વસ્તીગણતરી…

1થી 30 જૂન દરમિયાન ગણતરીદારો કરશે ઘરોની ગણતરી: વસતીગણતરી માટે સ્વગણના પોર્ટલ પર વિગતો ભરવા અને સ્ટાફને સહયોગ આપવા જિલ્લા કલેકટરની અપીલ

હાલમાં રાજ્યમાં વસ્તીગણતરી માટે સ્વ-ગણના (સેલ્ફ એન્યુમરેશન) પોર્ટલ કાર્યરત થઈ ગયું છે, ત્યારે રાજકોટ જિલ્લાના નાગરિકોને સ્વ-ગણના પોર્ટલ પર વિગતો ભરવા તથા આગામી દિવસોમાં ગણતરી માટે ઘરે આવનારા ગણતરીદારોને સહયોગ આપવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આજે કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, વસ્તીગણતરી અંતર્ગત સ્વ-ગણના (સેલ્ફ એન્યુમરેશન) તા. 17થી 31 મે, 2026 સુધી ચાલશે. જેમાં નાગરિકો પોતે સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર નામ, મોબાઈલ નંબર, ઓ.ટી.પી. (OTP) દાખલ કરીને વિવિધ વિગતોની એન્ટ્રી કરી શકશે. જેમાં મોટાભાગે પોતાના ઘરની સ્થિતિ, ઘરની છત, ભોંયતળિયું (ફ્લોરિંગ), ટોયલેટ, પાણી તેમજ વિવિધ મિલકતો (બાઇક, સાઇકલ) વગેરેની વિગતો ભરવાની રહે છે. આ વિગતો ભર્યા પછી અંગ્રેજી અક્ષર ’H’ થી શરૂૂ થતો 11 અંકોનો એક કોડ (SE ID) મળશે.

ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (H.L.O.)ની કામગીરી તા. 1થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘરે-ઘરે જઈ માહિતી એકત્રિત કરશે. તે દરમિયાન ઉક્ત SE ID ઘરની મુલાકાત દરમિયાન ગણતરીદારને આપવાનો રહેશે. અધિકૃત ગણતરીદારો તથા સુપરવાઇઝરોને નિયત નમૂનાનું આઇ-કાર્ડ આપવામાં આવશે.

વધુમાં લોકોને વિનંતી છે કે, ઓ.ટી.પી. (OTP) કે અન્ય કોઈ દસ્તાવેજો કોઈની સાથે શેર ન કરવા. વસ્તીગણતરીની વિગતો ભરવા ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરવો. રાજકોટમાં વસ્તીગણતરીની કામગીરીને સુચારુ રૂૂપે સંપન્ન કરવા માટે વિશાળ ટીમની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજકોટ ગ્રામ્ય તથા નગરપાલિકાઓમાં કુલ મળીને 3,476 લોકોનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. જેમાં 2,982 ગણતરીદારો અને 494 સુપરવાઈઝર્સનો સમાવેશ થાય છે.

જ્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 3,528 ગણતરીદારો અને 606 સુપરવાઈઝર્સ મળીને કુલ 4,134 સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવશે. આમ, મહાનગર-જિલ્લામાં 6,510 ગણતરીદારો અને 1,100 સુપરવાઈઝર્સ મળીને કુલ 7,610 સભ્યો આ કામગીરી કરશે.

જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ જ સરળ છે. મેં પોતે પણ વિગતો સરળતાથી ભરી દીધી છે. કોઈપણ નાગરિક ગુજરાતી ભાષામાં પણ તેને સરળતાથી ભરી શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, તમામ નાગરિકો આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય રીતે સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે.

જિલ્લા વહીવટીતંત્ર તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે, નાગરિકો જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને વસ્તીગણતરી-2027ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપે.
આ તકે નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુછાર, પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ સેન્સસ ઓફિસર સુશીલ પરમાર, નોડલ ઓફિસર સમીર રાવલ ઉપસ્થિત રહ્યા હતા.