માતાના મઢની માટી મંગળ ગ્રહની માટી જેવી જ છે

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભુજથી આશરે 80 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ માતાના મઢ નજીકની પીળાશ પડતી કથ્થઈ માટી સામાન્ય નજરે કોઈ પણ સાધારણ જમીન…

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભુજથી આશરે 80 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ માતાના મઢ નજીકની પીળાશ પડતી કથ્થઈ માટી સામાન્ય નજરે કોઈ પણ સાધારણ જમીન જેવી જ જણાય છે, પરંતુ મંગળ ગ્રહ (Mars) પર સંશોધન કરી રહેલા અવકાશ વૈજ્ઞાનિકો માટે આ માટી અણમોલ ખજાનો સાબિત થઈ છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ અને આઈ આઈ ટી-ગાંધીનગર (IIT-Gn) ના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત અભ્યાસ અનુસાર, કચ્છની આ માટીમાં મંગળની સપાટી પર જોવા મળતા ખનિજ જેવા જ અદભુત ગુણધર્મો ધરાવતું ખનિજ મળી આવ્યું છે, જે લાલ ગ્રહ પરથી મળતા રિમોટ સેન્સિંગ ડેટાના વિશ્ર્લેષણમાં ક્રાંતિકારી સાબિત થશે.

આ અભ્યાસ વિખ્યાત આંતરરાષ્ટ્રીય જર્નલ ’ઈંભફિીત’ માં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં પીઆરએલના વૈજ્ઞાનિક ડો. નીરજ શ્રીવાસ્તવ ઉપરાંત દિનેશ કરુણાકરણ, અભિષેક વર્મા, ત્વિશા કાપડિયા અને ધ્વનિલ પટેલ જોડાયેલા હતા.

ડો. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, માતાના મઢ નજીકના બેસાલ્ટિક કાંપવાળા સ્તરોમાંથી લગભગ શુદ્ધ સ્વરૂૂપમાં ‘નેટ્રોજેરોસાઇટ’ નામનું ખનિજ મળી આવ્યું હોવાથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી. ભૂતકાળમાં અહીં અત્યંત શુષ્ક, એસિડિક અને પાણીની અત્યંત અછત ધરાવતું વાતાવરણ રહ્યું હશે બરાબર એવી જ આબોહવા જેવી પરિસ્થિતિ મંગળ ગ્રહના પ્રાચીન ભૌગોલિક ઇતિહાસમાં અસ્તિત્વ ધરાવતી હતી.અવકાશ સંશોધન દરમિયાન મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં ફરતા ઓર્બિટર અને સપાટી પર ફરતા રોવર્સના સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા મેરિડિયાની પ્લાનમ, વેલેસ મેરિનેરિસ, મોવર્થ વેલિસ અને ગેલ ક્રેટર જેવા બહુવિધ પ્રદેશોમાં જેરોસાઇટ ખનિજની હાજરી નોંધાઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોએ આ ખનિજના વિવિધ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એક વિશેષ લક્ષણ-સૂચિ (એટ્રિબ્યુટ્સ લાઈબ્રેરી) તૈયાર કરી છે.

આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો હવે ઉપગ્રહો દ્વારા મંગળ પરથી મોકલવામાં આવતા સ્પેક્ટ્રલ ડેટાનું વધુ સચોટ વિશ્ર્લેષણ કરી શકશે. આ તારણો માત્ર ખનિજના રાસાયણિક બંધારણને જ નહીં, પરંતુ તેના કણોનું કદ, પ્રકાશનું પરાવર્તન અને સ્કેટરિંગ બિહેવિયર જેવા પરિબળોને સમજવામાં તેમજ ભવિષ્યના મિશનો માટે મંગળ જેવી સલ્ફેટ-યુક્ત સિમ્યુલન્ટ સોઈલ (કૃત્રિમ માટી) તૈયાર કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.