‘અસરદાર પાટીદાર’ શો આજનાં સમયની અનિવાર્યતા હતી, જે ખોડલધામે પૂરી કરી: રૂપાલા

ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ પ્રસ્તુત પ્રથમ ગુજરાતી બ્રોડવે શો અસરદાર પાટીદારને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ: ત્રણ હજારથી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં 50થી વધુ કલાકારો દ્વારા પાટીદાર સમાજનાં 15થી…

ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ પ્રસ્તુત પ્રથમ ગુજરાતી બ્રોડવે શો અસરદાર પાટીદારને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ: ત્રણ હજારથી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં 50થી વધુ કલાકારો દ્વારા પાટીદાર સમાજનાં 15થી વધુ વ્યક્તિને ઉજાગર કરાયા

માત્ર મનોરંજન જ નહીં, પણ આખેઆખી પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ’બ્રોડવે’ મેગા સ્ટેજ શો ’અસરદાર પાટીદાર’નો પ્રિમિયર શો શનિવાર અને છઠ્ઠી જૂને રાજકોટ ખાતે યોજાયો. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલા આ શોમાં પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કાર વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.

નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ઉપરાંત ગુજરાતના ત્રણ હજારથી વધુ ખાસ આમંત્રિતની હાજરીમાં થયેલા આ શોમાં પચાસથી વધુ કલાકારોએ પાટીદાર સમાજના 15 વિરલ વ્યક્તિત્વના જીવનને રજૂ કર્યુ હતું તો સાથોસાથ શોમાં પાટીદાર સમાજના મૂળ અને કૂળની વાત પણ કરવામાં આવી હતી. રાજકીય અને સામાજિક આગેવાનો સહિત પાટીદાર સમાજના અનેકાનેક ખ્યાતનામ અને અગ્રણીઓ દ્વારા પ્રસ્તુત શોની વધાવી લેવામાં આવ્યો હતો. કલ્પનાથી પણ ચડિયાતું જીવન જીવી પાટીદાર સમાજને ગૌરવ અપાવી જનારા પાટીદાર-વીરોની વાત કહેતાં ’અસરદાર પાટીદાર’ માટે સૌ કોઈએ એક સૂરમાં કહ્યું હતું કે આજના સમયમાં આ શો સમાજ અને ગુજરાત માટે અત્યંત અનિવાર્ય હતો.

ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ છે, જેમાં સમાવવામાં આવેલી પાટીદાર સમાજની વિરલ વિભૂતીઓની પસંદગી અને તેમના જીવનની અતરંગ વાતો માટે છેલ્લા દોઢ વર્ષથી રીસર્ચ ચાલતું હતું, જેમાં 3000થી વધુ માનવ કલાકો ખર્ચાઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ ખોડલધામ શિક્ષણ પાંખના પ્રકાશભાઈ પટેલ, આશિષ વેકરિયા અને મનિષ પટેલે સંભાળી હતી. ખોડલધામ શિક્ષણ પાંખના પ્રકાશભાઈ પટેલ કહે છે, ’અમારી મહેનત અને અમારી પ્રેરણા એવા નરેશભાઈ પટેલના વિશ્વાસ સાર્થક થયાની અમને ખુશી છે. અમારી ઈચ્છા છે કે જ્યાં-જ્યાં પાટીદાર છે ત્યાં-ત્યાં આ શો પહોંચે અને પાટીદાર વિભૂતીઓની વાતો નવી જનરેશન સુધી પહોંચે અને સાથોસાથ લોકો પોતાની ઘરસભામાં પાટીદાર વિભૂતીની વાત કરે, લેખક-કવિઓ પાટીદાર વિભૂતીઓને પોતાના રચનામાં, સાહિત્યમાં સમાવેશ કરે, વિદ્યાર્થીઓ પાટીદાર વીરો વિશે વધારે રીસર્ચ કરે જેથી સમાજના એ શૌર્ય અને પરંપરાની જે વાતો ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગઈ હતી એ ફરીથી સૌની સમક્ષ આવે.’

ઐતિહાસિક તથ્યો અને અત્યાધુનિક LED ટેકનોલોજીના સમન્વય સાથે આ શોમાં પાટીદારો કઈ રીતે માઇગ્રેટ થઈને ગુજરાત પહોંચ્યાથી લઈને સરદાર પટેલે પાટીદાર સમાજ પાસેથી શું અપેક્ષા રાખી હતી એની વાત કહેવામાં આવી છે. પ્રિમિયર શો દરમ્યાન સેન્ડબેરી પાર્ટી પ્લોટમાં ઊભા કરવામાં આવેલા ’કણબીયત’ સેલ્ફી ઝોને પણ જબરદસ્ત આકર્ષણ જન્માવ્યું હતું તો પાટીદાર સમાજના ગુણો વર્ણવતાં ’અસરદાર પાટીદાર’ શોની એન્થમે પ્રિમિયર પહેલેથી જ સોશિયલ મીડિયા પર એટ્રેકશન ઊભું કરી દીધું હતું. અસરદાર પાટીદાર’ શો દરેકેદરેક પાટીદાર સુધી પહોંચે એ પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર આગેવાનોની જવાબદારી છે અને આ જવાબદારી આગેવાનોએ સુપેરે ઉપાડી લીધી છે.

’અસરદાર પાટીદાર’ શોમાં જેમની વાતો કહેવાય છે એ વાતો શોધવામાં, વાતો સાથે જોડાયેલા તથ્યો શોધવામાં જે જહેમત લેવામાં આવી છે એ ખરેખર ગર્વની વાત છે. આપણા સમાજનો આ વારસો લોકો સમક્ષ રજૂ કરવો એ જવાબદારીનું કામ છે અને જવાબદારીનું આ કામ ખોડલાધામની શિક્ષણ સમિતીએ શ્રેષ્ઠ રીતે પાર પાડયું છે.- નરેશભાઈ પટેલ (ચેરમેન, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ) કાળા પાણીની સજાની વાત આવે ત્યારે મનમાં પહેલું નામ વીર સાવરકર આવે, પણ આ શો દ્વારા ગરબડદાસ મુખીને સાચો ન્યાય મળ્યો. પાટીદાર સમાજના ગરબડદાસ મુખી પહેલાં ગુજરાતી હતા, જેણે આંદામાનની જેલમાં આઝાદી માટે જીવ આપ્યો, ખરેખર સમાજ માટે બહુ મોટી અને ગર્વની વાત છે. ’અસરદાર પાટીદાર’ શો આજના સમયની અનિવાર્યતા હતી, જે ખોડલધામે પૂરી કરી.- પરષોત્તમ રૂૂપાલા (સંસદસભ્ય, રાજકોટ) તેમ એ જણાવ્યું હતું.

શોમાં કોનો-કોનો સમાવેશ થયો છે?
’અસરદાર પાટીદાર’માં પાટીદાર કેવી રીતે ગુજરાતમાં આવ્યા અને કેવી રીતે ગુજરાતમાં પ્રસરી ગયા એની વાત કહેવામાં આવી છે તો સાથોસાથ શોમાં સમાજના આગેવાન એવા રામજી પટેલથી લઈને વરસનદાસ પટેલની વાત પણ કહેવામાં આવી છે. આ ઉપરાંત ’અસરદાર પાટીદાર’માં કચ્છના પાટીદાર શૂરવીર હરદાસ લિંબાણી, ગોઝારિયા ગામના જનક એવા નારણભાઈ પટેલ, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનના વિરાટ ગુરુ એવા પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ગુરુકળના જનક એવા ધર્મજીવનદાસજીથી લઈને અક્રમ વિજ્ઞાન અને ત્રી-મંદિરના પ્રણેતા આંબાલાલ પટેલ, આંદામાનની જેલમાં આઝાદી માટે જીવ આપનારા પ્રથમ ગુજરાતી એવા પાટીદાર સેનાની ગરબડદાસ મુખી, દેશ માટે પોતાનું રાજ આપનારા ગોપાળદાસ પટેલ સહિતના અનેક પાટીદાર વિરલાઓની વાત કહેવામાં આવી છે.

‘અસરદાર પાટીદાર’ દ્વારા કયા-કયા પ્રશ્નોના જવાબ મળે છે?
1. પાટીદારોનું મૂળ અને કૂળ ક્યાંના?
2. રાજકોટમાં આવેલી ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર રેલ્વે સ્ટેશન, ભક્તિનગર સ્ટેશન પ્લોટ અને પાટીદારને શો સંબંધ છે?
3. પાટીદારોના નામ પાછળ પણ સિંહ અને દરબાર કેમ લાગતાં?
4. ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી શું કામ?
5. સરદાર વલ્લભભાઈ પટેલમાં રહેલી મક્કમતા પાછળનું કારણ શું?