ઈરાકમાં પેસેન્જર બસ પલટી જતાં ભીષણ આગ ભભૂકી, 21 લોકો જીવતા ભૂંજાયા, 19 ઘાયલ

ઈરાકના નાસીરિયાહ શહેરની નજીક એક હૃદયદ્રાવક અને અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી એક પેસેન્જર બસ અચાનક કાબૂ ગુમાવી બેસતા હાઈવે પર પલટી…

ઈરાકના નાસીરિયાહ શહેરની નજીક એક હૃદયદ્રાવક અને અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી એક પેસેન્જર બસ અચાનક કાબૂ ગુમાવી બેસતા હાઈવે પર પલટી ગઈ હતી. બસ પલટી જતાં જ તેમાં જોતજોતામાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણની ટાંકી ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 21 મુસાફરોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા છે.અકસ્માતમાં અન્ય 19 લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે.

બસમાં આગ લાગતાની સાથે જ અંદર ફસાયેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે આક્રંદ મચી ગયો હતો. સ્થાનિક રાહત તંત્ર અને બચાવ દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં અમુકની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે. વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ વ્યક્ત કર્યું દુ:ખઆ કમકમાટીભરી ઘટનાને પગલે ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ ઊંડો શોક અને દુ:ખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. તેમણે વહીવટીતંત્રને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવાની સૂચના આપી છે. આ સાથે જ આ અકસ્માત ઓવરસ્પીડના કારણે થયો કે કોઈ ટેકનિકલ ખામીને લીધે, તેની ચોક્કસ વિગતો જાણવા માટે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દીધા છે.