રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને લેવાતા સેમ્પલ ફેલ થાય છે ત્યારે આવા કિસ્સામાં જે તે પેઢી(ધંધાર્થી) સામે કાયદાકીય પગલા લેવા માટે અલગથી જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચાલતો હતો. પરંતુ સરકારના નવા નિયમ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ એટલે કે કલેકટર પાસે પણ ફૂડને લગતા કેસનો ચુકાદો આપવાની સતા હોય મનપા માટે અલગથી ચાલતી જ્યુડિશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય શનિવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજુ થઇ છે.
જ્યુડિશિયલ કોર્ટના ખર્ચનું મનપા ઉપર આવતુ વાર્ષિક રૂૂ.1 કરોડ 13 લાખનું ભારણ ઘટાડવા માટે કોર્ટ બંધ કરવા માટેની વિચારણા છે. જેનો નિર્ણય શનિવારે લેવાશે. આગામી શનિવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં કુલ 21 દરખાસ્તો છે. એ પૈકીને મહત્વની દરખાસ્તોમાં જ્યુડિશિયલ કોર્ટ બંધ કરી ફૂડને લગતા કેસ કલેકટર હસ્તક સોંપવા માટેનો નિર્ણય લેવામા આવનાર છે.
અન્ય દરખાસ્તોમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરી વેંચાણ કરતા સર્ટિફાઇડ ખેડૂતોને પુષ્કરધામ મેઇન રોડ પર પાકા શેડ સાથે બનાવેલી માર્કેટની બાજુમાં ફૂડ કોર્ટ માટે બનેલી જગ્યા આપવાનો નિર્ણય લેવામા આવનાર છે. સરકાર નિયુકત આત્મા યુનિવર્સિટીના ટેકનિકલ ટીમ દ્વારા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો સર્ટિફાઇડ કરવામા આવશે. આવા ખેડૂતોને જ જગ્યાનો લાભ મળશે.
મોરારિબાપુની કથા, માટે મેદાન મફત આપવા દરખાસ્ત
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારિબાપુની કથા યોજાવાની છે. કથાની તૈયારીથી માંડી પુર્ણાહુતિ બાદ જગ્યા ખાલી ન થાય ત્યા સુધી (તા.1 થી 20 જાન્યુ.) મેદાન રામકથાના આયોજકોને વિનામુલ્યે આપવા માટેનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં થશે.
અન્ય મહત્વની દરખાસ્તો
સર્વેશ્વર ચોકમાં નવા બનેલા વોંકળા પાસે પીંક ટોયલેટ (શુલભ શૌચલય) બનાવવુ.
રેસકોર્સ સંકુલમાં આવેલા સ્પોટર્સના અલગ અલગ મેદાનના મેન્ટેનન્સ માટે મનપા અને એસ.એ.જી. સંસ્થાની સયુંકત બનેલા ‘રાજકોટ સ્પોટર્સ પ્રમોશન ફાઉન્ડેશન’ને વધુ બે વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવો.
શહેરના રાજમાર્ગો પરના ટ્રાફિક જંકશન, આઇલેન્ડ, સર્કલની નિભાવણી માટે દ્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવો.
રેલનગરના સંતોષીનગર મેઇન રોડ પર આંગણવાડીની બાજુમાં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવુ.
વોર્ડ નં.12માં લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપની દુકાનો હરાજીથી વેંચાણ આપવી.
