શિવ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, શ્રી ઓટો ક્ધસલ્ટન્ટ, રામનાથ ઓટો ક્ધસલ્ટન્ટ, રઘુવીર કાર, કાર વર્લ્ડ, જય ખોડિયાર, બાલાજી મોટર રિપેરિંગ, મોમાઇ ઓટો ક્ધસલ્ટન્ટન્ટના માલિકોએ કર્યો હતો કબજો
રાજકોટના દોઢસો ફૂટ રિંગરોડ પર ખાસ કરીને મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ મનફાવે ત્યાં કારમેળા ખડકાઇ ગયા છે. મનપાની માલિકીની જમીન પણ છોડવામા આવી નથી. અમુક કારમેળાના ધંધાર્થીઓએ તો મનપાની કિંમતી જમીનમાં આલિશાન ઓફિસ બનાવીને વંડો પણ વાળી લીધો હતો. વર્ષો સુધી આવા દબાણોને મળેલી ભ્રષ્ટ ઓથ બાદ અંતે આ મવડીની ટીપી સ્કીમ નં.21 ફાઇનલ થતા વર્ષોથી ભ્રષ્ટ છત્રછાંયા હેઠળ ધમધમતા કારમેળા ઉપર બુલડોઝર ફેરવવા મનપાએ આજથી કાર્યવાહી શરૂૂ કરી છે. આજે સવારથી જ બુલડોઝરની ધણધણાટી શરૂૂ કરી દેવામા આવી હતી. પાંચ કારમેળા અને બે ગેરેજ સહિત બપોર સુધીમાં સાત દબાણોનો ખાત્મો બોલાવી દેવામા આવ્યો હતો.
મવડી ચોકડીથી પૂનિતનગરના ટાંકા સુધીમાં રસ્તાની બન્ને બાજુ કારમેળાના ખડકલા થઇ ગયા છે. એ પૈકી દબાણગ્રસ્ત જગ્યામાં ઉભા થઇ ગયેલા કારમેળામાં શિવ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, શ્રી ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, રામનાથ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, રઘુવીર કાર, કાર વલ્ડ, જય ખોડિયાર, બાલાજી મોટર રિપેરિંગ, મોમાઇ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ સહિત આઠ દબાણો તોડી પાડવામા આવ્યા હતા. મનપાની વેસ્ટ ઝોનના સિનિયર આસી. ટાઉન પ્લાનર શૈલેષ સિતાપરા સહિતના સ્ટાફે વીજીલન્સ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યુ હતુ. દબાણકારોને નોટિસ આપીને જગ્યા સ્વૈચ્છાએ ખાલી કરવા અલ્ટીમેટમ અપાવા છતા કબજો કરીને રખાયો હતો.
કુલ 8000 ચો.મી. જગ્યા ખાલી કરવામા આવી હતી. એટીપી શિતાપરાના જણાવ્યા મુજબ અહીં એક ચો.મી.નો ભાવ રૂૂ.સવા લાખ આંકી શકાય. એ ગણતરીએ રૂૂ.1 અબજની સરકારી જગ્યા પર કારમેળા અને ગેરેજ ધમધમતા હતા.
બીજી તરફ મનપાની માલિકીના પ્લોટ જ નહીં પણ રાહદારીઓને ચાલવા માટેની જગ્યા ઉપર પણ કારમેળાના કાયમી કબજા રહે છે. દોઢસો ફૂટ રિંગરોડની બન્ને બાજુ ફૂટપાથ, સાયકલ ટ્રેક અને વોકીંગ ટ્રેક બીઆરટીએસ પ્રોજેક્ટ વખતે બનેલા છે. આ ત્રણેય જગ્યા પર લે-વેચ માટે આવતી કારના થપ્પા કાયમી રહે છે. પ્લોટના દબાણોમાં ફૂટપાથ અને વોકીંગ ટ્રેક પર કારના દબાણમાં જગ્યા રોકાણ શાખા પણ શંકાના દાયરામાં છે.
ટીપી અને જગ્યા રોકાણ શાખાની રહેમ નજર?
સામાન્ય રીતે કોઇ અંતરિયાળ વિસ્તારમાં કે સુચિત સોસાયટીઓમાં દિવાલ ઉભી થતી હોય ત્યાં ટીપી શાખાનો ‘ગંધ પારખુ’ સ્ટાફ દોડી જાય છે. ત્યાંરે અહીં તો દોઢસો ફૂટ રિંગરોડ (બીઆરટીએસ રોડ) જેવા વિસ્તારમાં અને એક પણ એકસાથે આટલી મોટી સંખ્યામાં મનપાના પ્લોટ ઉપર કારમેળા ધમધમવા લાગે, અમુક પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ બનાવી તેમા વાહન લે-વેચ થતા હોય ત્યાં સુધી મનપાની ટીપી શાખાને ખબર પણ ન પડે એ વાત ગળે ઉતરતી નથી. ‘પ્રોટેકશન મની’ની ભ્રષ્ટ ઓથ હેઠળ જ્યા સુધી ચાલે ત્યાં સુધી ચલાવવા દઇએ તેવો છુટો દોર અપાયેલો હોય તેવી આશંકાને નકારી શકાય તેમ નથી.
