પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ

રાજકોટના DGFT અધિકારી જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ તપાસની ખામી નોંધી છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં…

રાજકોટના DGFT અધિકારી જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ તપાસની ખામી નોંધી છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 11 જેટલી ઈજા હોવા છતાં પોલીસે તે બધી બારીમાંથી પડવાની ઈજા ગણી લીધી.

રિપોર્ટ મુજબ મોતનું કારણ માથા અને છાતીની ઈજાથી થયેલો આઘાત અને લોહી વહી જવું છે. આ ઈજા સખત અને બુઠ્ઠી વસ્તુથી થઈ હોવાનું લખાયું છે. માથા પરનો ફાટેલો ઘા અને અંદરની ઈજાઓ સામાન્ય રીતે મોત કરવા પૂરતી હતી. માથું, હાથ-પગ અને પેટ પર ઘા તથા ઘસરકા, ખોપરી અને પાંસળીમાં ફ્રેક્ચર તથા માથામાં લોહી વહેવાની નોંધ છે.

પોસ્ટમોર્ટમમાં પેટ ખાલી મળ્યું હતું અને અંદર લાલાશ પડતો પદાર્થ હતો. અરજદાર પત્ની સુમન બિશ્નોઈના વકીલે કહ્યું કે આનો અર્થ મોતના છ કલાક પહેલાં ખોરાક ન અપાયો હોવાનો છે. બિશ્નોઈ 24 માર્ચ 2023ની સાંજે ધરપકડ બાદ ઓફિસમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે સવારે મોત થયું હતું.
કોર્ટે આ ઈજાઓને અંતિમ રીતે મારપીટની ઈજા ગણી નથી. તેણે કહ્યું છે કે આ તફાવત તપાસમાં તપાસાય. અજ્ઞાત સામે FIR નોંધી DIG, CID ક્રાઈમની દેખરેખમાં ત્રણ મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ છે.