બેડી-હડમતિયાના બિસ્માર માર્ગથી ત્રસ્ત લોકોનો ચક્કાજામ

જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોથી માંડી ધારાસભ્ય સુધી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય, મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો, વાહનોની કતારો લાગી રાજકોટના બેડી અને હડમતીયા ગામને…

જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોથી માંડી ધારાસભ્ય સુધી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય, મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો, વાહનોની કતારો લાગી

રાજકોટના બેડી અને હડમતીયા ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં આખરે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો.

સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર સત્તાવાળાઓને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય જીતુ સોમાણીને પણ વારંવાર જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પરિસ્થિતિ ’જેસે થે’ જેવી રહેતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી.તંત્રની બેદરકારીના વિરોધમાં આખરે સ્થાનિકોએ ઉગ્ર રસ્તો અપનાવ્યો હતો. આજે સવારે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામ નજીક એકત્ર થઈને ચક્કાજામ કર્યો હતો. જેને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમજાવટના અંતે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ સાથે આક્ષેપ કર્યો હતો કે, આ રસ્તાની ખરાબ હાલતને કારણે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. એટલું જ નહીં, બિસ્માર રસ્તાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બે સ્થાનિક વ્યક્તિઓના મોત પણ થયા હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. જો વહેલી તકે રસ્તો બનાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.