શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં બસ સ્ટેશન પાછળ કરણપરા મેઈન રોડ પર કાર ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બેકાબુ બનેલી કારે બે બાઈક અને રાહદારી યુવકને ઠોકરે ચડાવ્યા હતાં. જેમાં બાઈક સવાર યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કાર ચાલકને ઘટના સ્થળેથી જ ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં જયરાજ પ્લોટમાં રહેતાં નિશીત સંજયભાઈ રાણપરા નામનો 23 વર્ષનો યુવાન હર્ષદભાઈના બાઈક પાછળ બેસી બસ સ્ટેશન પાછળ કરણપરા મેઈન રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે રાત્રીનાં બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે ધસી આવેલી જી.જે.3 એલ.જી.1156 નંબરની કારે બાઈકને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્ત નિશીતભાઈ રાણપરાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત નિશીત રાણપરાનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં અકસ્માત સર્જનાર કાર ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બે બાઈક અને એક રાહદારી યુવકને ઠોકરે ચડાવ્યા હતાં. અકસ્માતને પગલે નાશભાગ મચી હતી. બાદમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડયો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બે બાઈ અને રાહદારીને ઠોકરે ચડાવતાં કાર દિવાલ સાથે અથડાઈ હતી. જેમાં કારના કાચ તુટી ગયા હતાં અને આગળનું ટાયર તુટી જતાં કાર ચાલક અકસ્માત સર્જી ભાગી શકયો ન હતો. જેના કારણે પોલીસે ઘટના સ્થળેથી જ કાર ચાલકને ઝડપી લીધો હતો અને કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસનો દૌર લંબાવ્યો છે.
