Site icon Gujarat Mirror

ખંભાળિયામાં મજૂરી કરતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા ફાંસો ખાઈ આપઘાત

 

દ્વારકામાં ટ્રેનની ઠોકરે યુવાનનું મોત : ભાણવડના મોટા કાલાવડમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનપર તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયામાં ભાણવડ રોડ પર આવેલી એક પોલ ફેક્ટરીમાં રહી અને મજૂરી કામ કરતા સોનુ રમેશભાઈ ભુરીયા નામના 28 વર્ષના યુવાનના પત્ની સાથે તેમને થોડા દિવસો પૂર્વે ઝઘડો થયો હતો. આ પછી તેણી ઘર છોડીને પોતાના માવતરે જતી રહી હતી.
આ બાબતે સોનુ ભુરીયાને મનમાં લાગે આવતા તેણે પોતાના હાથે ઓરડીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રમેશભાઈ ગલસિંહભાઈ ભુરીયા (ઉ.વ. 55, રહે. મૂળ એમ.પી.)એ ખંભાળિયા પોલીસને કરી છે.

મૂળ ઓરિસ્સા રાજ્યના કલાહન્ડી તાલુકાના વતની બૃહસ્પતિ શુક્લા સવર નામના 25 વર્ષના યુવાન શુક્રવારે સાંજના સમયે દ્વારકાથી 15 કિલોમીટર દૂર ગોરીંજા રેલવે સ્ટેશન પાસેના રેલ્વે ટ્રેક પર જઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર તેઓ દ્વારકાથી ગોરિંજા તરફ આવી રહેલી ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે તેમજ પગના ભાગે જીવલેણ ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ બિહાર રાજ્યના સારંગ જિલ્લાના ઈકમા ગામના મૂળ વતની અને હાલ દ્વારકામાં રહેતા રાજપુત અભિષેકકુમાર સિંગ (ઉ.વ. 35) એ દ્વારકા પોલીસને કરી છે.

ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર મોટા કાલાવડ ગામે રહેતા પબા દેવાણંદ ચાવડા નામના 40 વર્ષના આહિર શખ્સ દ્વારા પોતાના અંગત લાભ માટે પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, અને તેઓને જુગાર રમવાના સાધનો પૂરા પાડી, ચાલતા જુગારના અખાડા પર સ્થાનિક પોલિસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે પબા ચાવડા સાથે અરવિંદ પોલા કનારા, સુમિત ડાડુ ચાવડા, લાખા લખમણ ડાંગર અને કમલેશ દેવાણંદ નંદાણીયા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસ રૂૂ. 78,000 રોકડા તેમજ રૂૂ. 20,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂૂ. 98,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન લાલપુર તાલુકાના સણોસરી ગામનો બાબુ બચુ ખાવા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Exit mobile version