Site icon Gujarat Mirror

મેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!

ભાજપના ઉમેદવધારોના ફોર્મ ભરવામાં આબરૂનો ફજેતો, કલાકો સુધી મેન્ડેટની રાહમાં ઉમેદવારો બેસી રહ્યા

છેલ્લી ઘડી સુધી ઉમેદવારો બદલવાની બબાલમાં બપોરે દોઢ વાગ્યા બાદ ફોર્મ ભરાયા

રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકના ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવામાં ભારે વિરોધ અને અસંતોષ વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હતી અને મેન્ડેટની ટીંગાટોળી થઈ પડતાં વિજય મુહૂર્ત ચુકાઈ ગયું હતું અને બપોર દોઢ વાગ્યા બાદ ઉમેદવારી પત્રકો ભરી શકાયા હતાં. રાજકોટમાં ભાજપના ઈતિહાસમાં આ પ્રથમ વખત ઘટના બની હતી કે ભાજપ વિજય મુહૂર્ત ચુકી ગયું હોય.

ગઈકાલે મોડી સાંજ ભાજપના 72 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું ત્યારથી જ શહેર ભાજપ કાર્યાલયમાં અંધાધુંધ શરૂ થઈ ગઈ હતી. કપાયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા રાતભર ધમાલ મચાવતાં કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે કરવામાં આવેલી જડબેસલાક વ્યવસ્થા ભાંગી પડી હતી. ભારે દેકારા, નારાજગી અને રીસામણા-મનામણા વચ્ચે યોજાયેલ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં વોર્ડ નં.7ના ભાજપના ઉમેદવાર શૈલેષ જાનીને બદલી તેના સ્થાને પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલને ટિકીટ આપવાની જાહેરાત થતાં સોંપો પડી ગયો હતો. વિજય વિશ્ર્વાસ સંમેલનમાં નેતાઓ ભાષણ ઝીંકતા હતા પરંતુ ઉમેદવારોના નામના મેન્ડેટ નહીં પહોંચતાં ઉમેદવધારોના શ્ર્વાસ અધ્ધર ચડી ગયા હતાં.

મેન્ડેટની રાહમાં બપોરે 12.39 વાગ્યાનું વિજય મુહૂર્ત પણ ચુકાઈ ગયું હતું અને બપોરે દોઢ વાગ્યા આસપાસ મેન્ડેટ આવતાં ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ભાજપના કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં અને મેન્ડેટ આવ્યા બાદ બપોરે દોઢ વાગ્યા પછી સૌએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આ વખતે ભાજપનું મિસમેનેજમેન્ટ સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.

આપના ઉમેદવારનો મેન્ડેટ ફાડી નાંખતા બઘડાટી
વોર્ડ નં.15નાં ઉમેદવારી પત્રકો ભરવા સમયે આજે ચૂંટણી અધિકારી કચેરીમાં ટોળા એકઠા થઈ ગયા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચાવડાનો કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયાએ મેન્ડેટ ફાડી નાંખતા ભારે દેકારો મચી જવા પામ્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. આ મામલો તંગ બનતા પોલીસે કસરત કરવી પડી હતી.
નજરે જોનાર લોકોના કહેવા મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા ત્યારે ફોર્મ ભરીને પ્રાંત કચેરીમાંથી બહાર નીકળી રહેલ વશરામ સાગઠીયાએ આપના ઉમેદવારનો મેન્ડેટ ફાડી નાખતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.

ઉમેદવારો બદલાઈ રહ્યાની અફવા ફોર્મ ભરવાની મુદત પૂરી થવા સુધી ચાલુ રહી
રાજકોટ ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ છેલ્લી ઘડીએ વોર્ડ નં.7ના ઉમેદવાર શૈલેષ જાનીને બદલી નેહલ શુકલને ટિકીટ આપવામાં આવતાં અન્ય ત્રણ ટિકીટો બદલાઈ રહ્યાની અફવા સતત ચાલુ રહી હતી. વોર્ડ નં.13ના નીતિન રામાણીની ટીકીટ કપાતા તેના ટેકેદરોએ ધમાલ મચાવી હતી. પરિણામે આજે બપોરે બે વાગ્યા સુધી રામાણીને ફરી ટિકીટ અપાઈ રહ્યાની વાત ફેલાતી રહી હતી. આજ રીતે વોર્ડ નં.11ના ઉમેદવાર રક્ષીત કલોલા સામે ખુનનો ગુનો નોંધાયેલ હોવાથી તેને પણ બદલવામાં આવી રહ્યાની અફવા સતત ચાલુ રહી હતી. આ સિવાય વોર્ડ નં.15નાં મૌલીક પરમાર સામે પણ ખુનનો ગુનો હોવાથી તેના બદલે અન્ય ઉમેદવાર આવી રહ્યાની તેમજ રાજુ બોરીચાના પુત્રને ટિકીટ આપવામાં આવી રહ્યાની ચર્ચા ફોર્મ ભરવાની મુદત પુરી થઈ ત્યાં સુધી ચાલુ રહી હતી.

Exit mobile version