Site icon Gujarat Mirror

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયા

કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી

સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં વધુ 32 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગઇકાલે કોંગ્રેસ તરફથી 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે બાકી રહેલા ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. જયારે કોંગ્રેસના પૂર્વ બે કોર્પોરેટરની ટીકીટ કપાઇ છે અને તેમની જગ્યાએ નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસ તરફથી ચાર કોર્પોરેટરો ચુંટાયા હતા જે તમામ ઉમેદવારો વોર્ડ નં.15માંથી ચુંટાયા હતા. જેમાં વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સુરાણી અને કોમલબેન ભારાઇનો સમાવેશ થયો હતો. કોંગ્રેસે આ વખતે ભાનુબેન સોરાણીની ટીકીટ કાપી છે તો કોમલબેન ભારાઇની સીટ રોટેશન જાહેર થતા કપાઇ ગઇ છે. આ અંગે સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાનુબેનના પતિએ પક્ષ વિરોધી બફાટ કર્યો હતો જેના પગલે કોંગ્રેસ દ્વારા તેમને ટિકીટ કાપીને સાઇડલાઇન કરી દેવાયા છે.

ગઇકાલે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ આજે બાકી રહેલા ઉમેદવારોને ટેલીફોનીક સુચના આપીને ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના પગલે આજે ઉમેદવારો ટેકેદારો સહીત વાજતે ગાજતે ફોર્મ ભરવા માટે ઉમટી પડયા હતા. જેથી અત્યારની સ્થિતિએ કોંગ્રેસના 18 વોર્ડમાં 72 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે.

Exit mobile version