સુરેન્દ્રનગરની માનવસેવા સંઘ સંચાલિત મુક-બધીર શાળાની દિવ્યાંગ દિકરીઓ ઉપર ગૃહમાતા અને એટેન્ડેન્ટ દ્વારા અત્યાચાર અને ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો પર્દાફાશ થતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકિકતો સામે આવી હતી. ગૃહમાતા મુકબધિર બાળકીઓ પાસે માલિશ કરાવવા ઉપરાંત કચરા-પોતા અને ઘરની સાફ સફાઇ કરાવતી હોવાનું તેમજ નહાવા સમયે પણ ત્રણ-ચાર છોકરીઓ સાથે બાથરૂમમાં અસ્લીલ હકરતો કરતી હોવાનું બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.
આ કાંડ બહાર આવતા ગૃહમાતા સોનલ ચૌહાણની અટકાયત કરી તેની સામે પોકસો સહીતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે દારૂડીયા એટેન્ડેન્ટ સામે પણ ગુનો નોંધી ધરપકડ માટે તૈયારી કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ અનુદાન મેળવતી માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં રહેતાં આશરે 42 ગરીબ અને દિવ્યાંગ બાળકો પર ગૃહમાતા દ્વારા ગંભીર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારાતો હોવાનો આરોપ લાગ્યો છે. આશરે પંદર જેટલી બાળકીઓ પાસે ગૃહમાતા સોનલ ચૌહાણ મસાજ કાયમ કરાવતી હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. ગૃહમાતા સોનલ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. સંલગ્ન વિભાગ પોલીસ ફરિયાદ અને પોક્સો હેઠળ ગુનો નોંધાવવાની તૈયારી કરી રહ્યો છે.
મૂક-બધિર હોવાથી પોતાની વાત કહી શકતી ન હતી તેવી આશરે 15 માસૂમ દીકરીઓને ગૃહમાતા દ્વારા નિર્દયતાથી મારવામાં આવતી હોવાનો આરોપ છે. ગુપ્ત ફરિયાદ મળતાં વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડના આદેશથી અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સાઇન લેંગ્વેજના શિક્ષકોની મદદથી બાળકીઓના નિવેદન નોંધતાં ગૃહમાતાનાં કૃત્યો સામે આવ્યાં.
તપાસમાં એવો આરોપ સામે આવ્યો છે કે બાળકીઓ પાસે રાત્રે 12 વાગ્યા સુધી માલિશ કરાવવામાં આવતી હતી તેમજ કચરો-પોતાં અને ઘરની સફાઈ કરાવવામાં આવતી હતી. નાની બાળકીઓ પર અત્યાચાર અને અશ્ર્લીલ કૃત્યોના આરોપ પણ નોંધાયા છે. આ ઉપરાંત પ્રશાંત ભટ્ટ નામનો એટેન્ડન્ટ દારૂૂ પીને બાળકોને પરેશાન કરતો અને મજૂરી કરાવતો હોવાનું બહાર આવ્યું છે. ગૃહમાતા અને એટેન્ડન્ટ બંને સામે કાર્યવાહી હાથ ધરાશે. તાત્કાલિક પગલાંના ભાગરૂૂપે ગૃહમાતા સોનલ ચૌહાણની અટકાયત કરાઈ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તેમને કાયમી ધોરણે દૂર કરવામાં આવશે તેવું જણાવાયું છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દાતાઓ તરફથી બાળકો માટે આવતું અનાજ બાપોબાપ વેચી દેવાતું હતું અને બાળકોને અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હતું. અનાજના ગેરવહીવટ સાથે દિવ્યાંગ દીકરીઓ પર અત્યાચારના આક્ષેપોની ચકાસણી ચાલુ છે. વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડે જણાવ્યું કે કલેક્ટરની સૂચનાથી સંસ્થામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સંલગ્ન વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ અને પોક્સો હેઠળ ગુનો નોંધાવવાની કાર્યવાહી શરૂૂ કરાઈ છે. મૂક-બધિર બાળકો પોતાની વાત સરળતાથી કહી શકતાં નથી, તેથી સાઇન લેંગ્વેજના શિક્ષકો વગર આ આક્ષેપો બહાર આવ્યા ન હોત. અનુદાન મેળવતી સંસ્થામાં બાળકોની સલામતી, ભોજન અને દાતાઓના અનાજની હિસાબી ચકાસણી હવે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે.
સરકારી ગ્રાન્ટ અને દાનના ગેરવહિવટ અંગે પણ તપાસ
સુરેન્દ્રનગરની માનવસેવા સંઘ સંચાલિત ડી.એસ. પારેખ બહેરા-મુંગા શાળા અને છાત્રાલયમાં કુલ 45 મુક-બધીર બાળાઓ રહીને અભ્યાસ કરે છે અને સરકારી ગ્રાન્ટ તથા દાતાઓ તરફથી મળતા દાન ઉપર સંસ્થાનો નિભાવ થઇ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં 15 જેટલી બાળકીઓ ઉપર અત્યાચાર થયાનું બહાર આવ્યું છે. સાઇન લેંગવેજના આધારે મુક-બધીર બાળકીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સંસ્થામાં નાણાકીય ગેરવહીવટ થયાની પણ શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. દાતાઓ તરફથી મળેલા દાન અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા ખર્ચ વાસ્તવીક છે કે માત્ર કાગળ ઉપર બતાવી ગેરરીતિ કરવામાં આવી છે તેની તપાસ કરાઇ રહી છે.
