સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઇ જતા નવા નિયમો બનાવાયા

બહારથી આવતી બોડીની ઇમરજન્સી વોર્ડમાં નોંધ, મૃતદેહના હાથમાં નામ સાથેનો બેલ્ટ અને મેડિકલ ઓફિસરની હાજરીમાં લાશ સોંપવાનો નિર્ણય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અધિક્ષકે બોલાવેલી બેઠકમાં બહારથી…

બહારથી આવતી બોડીની ઇમરજન્સી વોર્ડમાં નોંધ, મૃતદેહના હાથમાં નામ સાથેનો બેલ્ટ અને મેડિકલ ઓફિસરની હાજરીમાં લાશ સોંપવાનો નિર્ણય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અધિક્ષકે બોલાવેલી બેઠકમાં બહારથી આવતી ડેડબોડીની ઇમરજન્સી વોર્ડમાં નોંધ, મૃતદેહના હાથમાં નામ સાથેનો બેલ્ટ અને મેડિકલ ઓફિસરની હાજરીમાં લાશ સોંપવાના નિર્ણય સાથે બીમારી સબબ મૃત્યુ પામેલા મૃતદેહ માટે અલગથી કોલ્ડરૂમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી.
શહેરના નાનામવા રોડ પર રામપાર્કમાં રહેતા 92 વર્ષીય નિવૃત શિક્ષક હસમુખભાઈ શાંતિલાલ ઠાકરને પડી જવાથી પગનાં થાપામાં ફ્રેકચર થઈ ગયા બાદ બે દિવસ પહેલા તા.28મીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમની દીકરી અમેરિકામાં હોવાથી રાજકોટ પહોંચે ત્યાં સુધી મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.

દીકરી રાજકોટ આવી પહોંચતા ગઇકાલે સવારે 10 વાગ્યે અંતિમયાત્રા કાઢવાની તૈયારી શરૂૂ કરી હતી. આ સાથે પરિવારજનોએ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં પહોંચીને મૃતદેહ માગ્યો પણ ત્યાં નહીં મળતા ઉહાપોહ મચી ગયો હતો.ત્વરિત તપાસ કરતાં જાણવા મળ્યું કે, મૃતદેહની અદલાબદલી થઈ ગઈ હતી. આ દરમિયાન ચારેક દિવસ પહેલા તેઓ ગેસ્ટહાઉસમાં બેભાન થઈ જતાં ત્યાંનાં કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દીધા હતા, જેમનું બે દિવસ પહેલા તા.28મીએ મૃત્યુ થતાં પોલીસે મુંબઈ સ્થિત પરિવારજનોને જાણ કરી હતી. જેથી તેમની બહેન અને દીકરી સહિત પાંચેક પરિવારજનો ગઈકાલે વિમાનમાર્ગે રાજકોટ આવ્યા હતા. તેમને સિવિલ સ્ટાફે ભૂલથી નિવૃત શિક્ષક હસમુખભાઈનો મૃતદેહ સોંપી દીધો હતો.

તેઓ પણ અગમ્ય કારણોસર મૃતદેહ ઓળખી શક્યા નહીં અને મુંબઈ લઈ જવાને બદલે અહીં જ રામનાથપરા સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરી અને અસ્થિકુંભ લઈને પરત જતાં રહ્યા હતા. ગંભીર લાપરવાહીથી સમસમી ગયેલા હસમુખભાઈનાં પરિવારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને અંતિમ સંસ્કાર કરી મુંબઇ ચાલ્યા ગયેલા પરિવારના એક સ્વજન રાજકોટના વૃધ્ધના અસ્થિ લઇ પ્ર.નગર પોલીસની હાજરીમાં જ મૃતકના પરિવારને અસ્થિ પરત કર્યા હતા અને પોતાના મૃતક સ્વજનની અંતીમકિયા કરી હતી. બીજી તરફ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ આ ઘટનાની તપાસ માટે વિશેષ કમિટી બનાવવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સિવિલ અધિક્ષકે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાકીદે એક બેઠક બોલાવી હતી. અને ફરી આ પ્રકારની ભુલ ન થાય તે માટે કેટલાક મહત્વના આદેશ કર્યા છે.

જેમાં બહારથી આવતી બોડીની ઇમરજન્સી વોર્ડમાં ખાસ રજીસ્ટર મુકી નોંધ કરવામાં આવશે અને મૃતદેહના હાથમાં નામ સાથેનો બેલ્ટ બાંધવામાં આવશે કોલ્ડરૂમ ખાતેના દરેક કોલ્ડ સ્ટોરેજ પર મૃતકનુ નામ અને ખાના નંબર દર્શાવવામાં આવશે. શબપરીક્ષણ તથા જાળવણી માટે કોલ્ડ રૂૂમ ખાતે રાખવામાં આવતા મૃતદેહનું ઓળખ સ્વીકારવા તથા પોલીસ કે સગાને પરત આપતી વખતે પી.એમ. ડયુટી પરના મેડિકલ ઓફિસરએ રૂબરૂ હાજર રહીને ચકાસણી કરી અને સ્વીકારીને કે સોંપવાના રહેશે. ઉપરાંત પી.એમ રૂૂમની સફાઈ બાબતે તથા કોલ્ડ સ્ટોરેજની જાળવણી ચકાસવાનું રહેશે. આ બાબતે કોઈ પ્રશ્ન ઉદભવ થાય તો ફરજ પરના એસ.આઈ.નો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. અને જરૂૂર પડે અધિક્ષક કચેરી ખાતેથી માર્ગદર્શન મેળવવાનું રહેશે. આ બાબત સંવેદનશીલ હોય અચુક અમલ કરવા ભલામણ પણ કરવામાં આવી છે.