હાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ભગવતીપરા…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ભગવતીપરા અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા પ્રૌઢ અને વેલનાથ સોસાયટીમાં રહેતા મહિલાને હાર્ટએટેક જીવલેણ નીવડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ચોકડી નજીક આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા માસુબેન જેઠાભાઇ રાઠોડ (ઉ.વ.59)નામના મહિલા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના પતિ હયાત ન હોવાનુ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં ભગવતીપરા મેઇન રોડ પર ગ્રીનપાર્કમાં રહેતા જીતેન્દ્રભાઇ બચુભાઇ પેઢઠીયા (ઉ.વ.58)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતુ. તબીબો દ્વારા હાર્ટએટેક આવી ગયાનુ જણાવ્યુ હતું આ અંગે બીડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને અગાઉ ઇમર્ટીશેનનું કામ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા અનીલભાઇ મનસુખભાઇ પટેલ (ઉ.વ.53)નામના પ્રૌઢને હાર્ટએટેક આવી જતા તેમનુ મોત નીપજ્યુ હતુ. તેઓ મુળ સુરતના હોવાનુ જાણવા મળ્યુ છે.