અગાઉ આરોપીએ મૃતક દાદાની ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર ધિરાણ ઉપાડી લીધુ હતુ, ત્યારથી ઝઘડા થતા હતા
શંકાસ્પદ બનાવમાં પોલીસે પૌત્રને ઉઠાવી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને ગુનો કબૂલતા ધરપકડ કરી
શહેરમાં મિલકત અને જમીનની લાલચમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. શહેરના રામાપીર ચોકડી વિસ્તારમાં રહેતા અને 73 વર્ષના વૃદ્ધની તેમના જ સગા પૌત્ર દ્વારા અત્યંત ઘાતકી રીતે હત્યા કરી નાખવામાં આવી છે. કિંમતી પ્લોટ પચાવી પાડવાની દાનતથી પૌત્રએ પોતાના સગા દાદાના માથાના ભાગે બોથડ પદાર્થના જીવલેણ ઘા ઝીંકીને તેમને કાયમ માટે મોતની નીંદરમાં સુવડાવી દીધા હતા. આ હત્યા કર્યા બાદ આરોપી પૌત્રએ સમગ્ર બનાવને એક અકસ્માત અને ગેસના બાટલા બાબતે થયેલી ઝપાઝપીમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પોલીસની સઘન અને આગવી ઢબની પૂછપરછ સામે આરોપી ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આ સમગ્ર બનાવ અંગે રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી સ્કૂલની બાજુમાં, છત્રપતિ શિવાજી ટાઉનશીપ મેઈન રોડ પર અમૃતા પાર્ક-1માં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા 49 વર્ષીય હરીભાઇ મેરામભાઈ મકવાણાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હરીભાઈના લગ્ન વર્ષ 2000માં મૃતક અરજણભાઈની દીકરી નીતાબેન સાથે થયા હતા. તેમના સસરા એટલે કે 73 વર્ષીય અરજણભાઇ દેવદાનભાઈ મીયાત્રા શાસ્ત્રીનગર મેઇન રોડ પર, દેવ જીવન હોટલની સામે રામાપીર ચોકડી પાસે એકલા જ રહેતા હતા, કારણ કે તેમના પત્ની બાલુબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.
ગઈકાલે સવારે આશરે પોણા સાતેક વાગ્યાના સુમારે હરીભાઈ પર તેમના સાળા રમેશભાઈના દીકરા મોહિતનો ફોન આવ્યો હતો. ફોન પર મોહિતે ગભરાયેલા અવાજે એવી ખોટી માહિતી આપી હતી કે દાદા અરજણભાઇ પોતાના ઘરે અચાનક પડી ગયા છે અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ફોન કોલ મળતાની સાથે જ હરીભાઈ તાત્કાલિક તેમના સસરાના ઘરે દોડી ગયા હતા.
ત્યાં પહોંચીને તેમણે જોયું તો તેમના સાળાના બંને દીકરાઓ મોહિત અને સાગર હાજર હતા. સસરા અરજણભાઈ ઓસરીમાં રૂૂમના દરવાજાની બરોબર વચ્ચે જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. તેમના માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું અને ઓસરી તેમજ ફળિયામાં પણ લોહીના ડાઘા સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં પણ આરોપી મોહિતે દાદાને હોસ્પિટલ લઈ જવાની સાફ ના પાડી દીધી હતી અને કોઈ પણ સંજોગોમાં પોસ્ટમોર્ટમ કરાવવું નથી તેવી જીદ પકડી હતી. મોહિતના આ અસામાન્ય અને શંકાસ્પદ વર્તનને કારણે હરીભાઈને તેના પર પ્રબળ શંકા ગઈ હતી. આખરે સાગરને કહીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો હરીભાઈ મીયાત્રા અને કેશુભાઈ લોખીલ પણ ત્યાં પહોંચી ગયા હતા.એમ્બ્યુલન્સ મારફતે અરજણભાઈને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ જણાવ્યું હતું કે અરજણભાઈના માથાના પાછળના ભાગે કોઈ ભારે બોથડ પદાર્થનો જોરદાર ઘા મારવામાં આવ્યો છે, જેના કારણે જ તેમનું મૃત્યુ નીપજ્યું છે. અગાઉ પણ આરોપી મોહિતે દાદાની ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ધિરાણ ઉપાડી લીધું હતું, જે બાબતે પણ ઘરમાં મોટા ઝઘડાઓ થતા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સી.એન. દવે અને તેમની ટીમે હરીભાઈની સત્તાવાર ફરિયાદના આધારે આરોપી મોહિત રમેશભાઈ મીયાત્રા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી, તેની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હત્યા બાદ આરોપીએ ખોટી સ્ટોરી ઘડી
શંકાસ્પદ બનાવમાં પરિવારજનોએ મોહિતની કડક પૂછપરછ કરી ત્યારે તેણે એવી મનઘડત વાર્તા ઉપજાવી કાઢી હતી કે પોતે સવારે છ વાગ્યે ગેસનો બાટલો લેવા આવ્યો ત્યારે દાદા પડેલા હતા અને તેણે જ તેમને ફળિયામાંથી ઓસરીમાં લીધા હતા. જોકે, આ વાર્તા ગળે ઉતરે તેવી ન હતી.
મૃતક શાસ્ત્રીનગર પાસેનો કિંમતી પ્લોટ દીકરીઓના નામે કરી દેવાના હતા
આશરે આઠેક દિવસ પહેલા જ્યારે હરીભાઈના ઘરેથી સસરા અરજણભાઈ માટે ટિફિન જતું હતું, ત્યારે તેમણે અચાનક બે વ્યક્તિઓનું ટિફિન મંગાવવાનું શરૂૂ કર્યું હતું. કારણ પૂછતા અરજણભાઈએ ડરતા ડરતા જણાવ્યું હતું કે તેમને પોતાના જ પૌત્ર મોહિત અને તેના પરિવારથી જીવનું જોખમ છે અને તેઓ અવારનવાર ઝઘડા કરે છે, આ ડરના કારણે તેમણે પોતાના મોટાભાઈ રવાભાઈને પોતાની સાથે પાંચેક દિવસ રોકાવા માટે બોલાવી લીધા છે. વધુમાં, છ મહિના પહેલા અરજણભાઈએ પોતાના જમાઈઓને બોલાવીને શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલો પોતાનો કિંમતી પ્લોટ દીકરીઓના નામે કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જોકે ત્યારે જમાઈઓએ ના પાડી હતી.
