Site icon Gujarat Mirror

IPS અભયસિંહ ચુડાસમા પાસેથી નિવૃત્તિ સમયે જ સરકારે કાઢી ‘ભાડા’ની ઉઘરાણી : ‘દાવ’ લેવાનું શરૂ?

 

ગુજરાતની આઈપીએસ લોબીમાં ભારે દબદબો ધરાવતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગુડબૂકમાં મનાતા આઈ.પી.એસ. અધિકારી અભયસિંહ ચૂડાસમાના નિવૃત્તિ સમયે જ દિવસો બદલાયા હોય તેમ કરાઈ એકેડમી આચાર્યની સાઈડ પોસ્ટમાં મુકી દેવાયા બાદ હવે તેમની પાસેથી સરકારી વાહન ભાડાના રૂા. 7.92 લાખની સરકારે ઉઘરાણી કાઢતા પોલીસબેડામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે.

સિનિયર આઈ.પી.એસ. અધિકારી અભયસિંહ ચુડાસમા આગામી તા. 31 ઓક્ટોબરના રોજ નિવૃત થઈ રહ્યા છે, તે પૂર્વે ગત ફેબ્રુઆરી માસમાં તેમણે સ્વૈચ્છિક નિવૃતિ માંગી લીધી હતી. પરંતુ સરકારે આજ સુધી તેમનું રાજીનામું મંજુર કર્યુ નથી અને હવે નિવૃતિ આડે માત્ર અઢી માસ જ બાકી રહ્યા છે. ત્યારે અભયસિંહ ચુડાસમાનો ‘દાવ’ લેવાનું શરૂ કર્યાનું માનવામાં આવે છે.

સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આઈપીએસ અભયસિંહ ચુડાસમાની કરાઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપાલ તરીકે તા. 01/08/2023થી બદલી કરવામાં આવી હતી. પ્રિન્સીપાલનું સરકારી નિવાસ સ્થાન પણ એકેડેમીના સંકુલમાં જ આવેલુ છે. પરંતુ અભયસિંહ ચુડાસમા સરકારી બંગલામાં રહેવાના બદલે પોતાના અમદાવાદ ખાતેના ખાનગી નિવાસ સ્થાને રહે છે. હવે પોલીસના મોટર એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના એસ.પી. મનિષસિંહે તેના કરતા અનેક લેવલના સિનિયર આઈ.પી.એસ. અભયસિંહ ચુડાસમાને નોટીસ ફટકારી તેની પાસેથી કરાઈ પોલીસ એકેડમીથી તેમના ખાનગી નિવાસ સ્થાન સુધી સરકારી વાહનનો ઉપયોગ કરવા બદલ અત્યાર સુધીના કુલ રૂા. 7.92 લાખના ભાડાની ઉઘરાણી કાઢી છે.

નોટીસમાં જણાવાયું છે કે, અભયસિંહ ચુડાસમાને કરાઈ એકેડમીમાં જ સરકારી નિવાસ ફાળવાયું હોવાથી તેઓ ખાનગી નિવાસ આવવા-જવા માટે સરકારી કારનો ઉપયોગ કરી શકતા નથી અને કરે તો સરકારી ધારાધોરણો મુજબ તેમણે વાહન ભાડુ ચુકવવુ પડશે.

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરકારી વાહનોનો ખાનગી ઉપયોગ કરવો તે કોઈ નવી વાત નથી. તમામ વિભાગના અધિકારીઓ આવુ કરે છે પરંતુ એક સમયે ભાજપ સરકારના ખાસમખાસ ગણાતા એક માત્ર અભયસિંહ ચુડાસમા પાસેથી વાહન ભાડાની ઉઘરાણી સરકારના ઈશારે જ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અભયસિંહ સામેનો ‘દાવ’ લાંબો ચાલે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version