નશાખોરોને છેતરીને બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી દારૂ ભરી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ આવા અનેક કેસ નોંધાઇ ચૂકયા છે. ત્યારે વધુ એક વખત ધોરાજીના તોરણીયા ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી ખાલી બોટલો, બ્રન્ડેડ કંપનીના સ્ટીકરો અને દારૂ જેવુ પ્રવાહી મળી કુલ રૂા.3.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા ત્યારે જૂનાગઢના શખ્સનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ હેડકેન્સ્ટેબલ દિવ્યેશ સુવા, નીલેશ ડાંગર, રાજુ સાંબડા, હેરશ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો દરમિયાન ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાં કાન્તી રવજીભાઇ બાબરીયાની ખેતરની ઓરડીમાં ડુપ્લીકેટ દારૂ બનાવતા હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસના દરોડામાં ઘટના સ્થળેથી કાંન્તી રવજીભાઇ બાબરીયા રહે. મોટી પરબડી અને ચેતન રાજુભાઇ દેલવાડીયા રહે. તોરણીયા તાલુકો ધોરાજીને ઝડપી લઇ ઓરડી માંથી દારૂના બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર નંગ 57 અને વિદેશી દારૂ ભરેલી બોટલ નંગ 5, ખાલી બોટલો નંગ 74 અને વિદેશી દારૂ જેવુ પ્રવાહી ભરેલા બેરલ નંગ 4 કિંમત 3,24,800 મળી કુલ રૂા. 3,40,335નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દારૂની ખાલી બોટલો ઉપર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી તેમા નકલી દારૂ ભરી અસલી દારૂના નામે વેચાણ કરતા હોવાનુ ખુલવા પામ્યુ છે. આ કારસ્તાનમાં જૂનાગઢના જોશીપુરમાં રહેતા સતીષ કયાડાનું નામ ખુલતા પોલીસે ઉપરકોત બંને આરોપીની ધરપકડ કરી જૂનાગઢના શખ્સને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

