ગુજરાત

મિત્રએ મિત્રને બીજો ઘા ઝીંકયો, છરી શરીરમાં ખૂંપી ગઇ ને જીવ ગયો

Published

on

જંકશનરોડ પર પાળીએ બેસવા બંન્ને મિત્રોને માથાકૂટ થઇ હતી

‘મેં મર્ડર કર્યું છે’ આરોપીએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો ને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, આરોપીની ધરપકડ

રાજકોટના રેલવે સ્ટેશન સામે આવેલી હોટલ નજીકના ફૂટપાથ પર રવિવારે બપોરે એક મિત્રએ બીજા મિત્રની છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યા બાદ ખૂદ આરોપીએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી પોલીસને મોકલવા જણાવ્યું હતું. પ્ર.નગર પોલીસે તત્કાળ સ્થળ પરથી ભાગી ગયેલા આરોપીને ઝડપી લીધો હતો. ફૂટપાથની પાળી પર બેસવા બાબતે થયેલા ઝગડામાં હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


હત્યાનો ભોગ બનનારનું નામ કરણ શિવજીભાઈ ઠાકોર(ઉ.25)તે જંકશન આજુબાજુના ફૂટપાથ પરથી ભંગાર વિણવા સહિતનું કામ કરતો હતો. જંકશન સ્ટેશન રોડ પર જ આવેલી જયહિન્દ હોટલમાં આરોપી પ્રવિણ રમેશ વાઘેલા કામ કરતો હતો.બંને મિત્રો હતા.પ્ર.નગર પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે રવિવારે સવારે ફૂટપાથની પાળી પર બેસવા બાબતે બોલાચાલી થઇ હતી. જેને કારણે કરણે આરોપી પ્રવિણને ફૂટપાથની પાળી પર બેસવાની ના પાડી હતી.


જેનો આરોપી પ્રવિણે વિરોધ કર્યો હતો.બપોરે બંને વચ્ચે ફરી મુદ્દે આશાપુરા હોટલ સામેના ફૂટપાથ પર ફરીથી બોલાચાલી થઇ હતી.જેમાં ઉશ્કેરાઇ ગયેલા આરોપી પ્રવિણે મિત્ર કરણના પડખા અને ગુપ્ત ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા.ઘા એટલા ઝનૂનમાં ઝીંક્યા હતા કે છરી કરણના શરીરમાં જ ખૂંપી ગઇ હતી.જે તબીબોએ પોસ્ટમોર્ટમ દરમિયાન કાઢી હતી.


હત્યા કર્યા બાદ આરોપી પ્રવિણે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી કહ્યું કે મેં મર્ડર કર્યું છે,તમે પોલીસ ને મોકલો.પોલીસ કંટ્રોલ રૃમ તરફથી આ કોલ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાતા પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ,પીઆઇ પિયુષ ડોબરીયા, પીએસઆઈ બેલીમ,પીએસઆઈ જે.એમ.જાડેજા, એએસઆઈ ડી.વી. ખાંભલા, મનસુરશા, પ્રતિકસિંહ, અશ્વિનભાઈ રાઠોડ,અલ્પેશભાઈ વઘેરા, પીસીઆર વેનના રમાબેન સોલંકી અને ડ્રાઇવર રવિભાઈ તેમજ ડિસ્ટાફના વિમલભાઈ તેમજ કનુભાઈ ભમ્મર સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો.તપાસના અંતે આરોપી પ્રવિણને રેલવે સ્ટેશનની પાછળના ભાગેથી ઇજાગ્રસ્ત હાલતે ઝડપી લીધો હતો.


તેમજ ઘટના અંગે જાણ થતા ડીસીપી ઝોન-2 જગદીશ બંગારવાએ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી સમગ્ર બનાવની હકીકત મેળવી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક અને આરોપીના કોઇ વાલી-વારસ હાલ મળ્યા નથી.જેને કારણે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ ઘેડ સરકાર તરફે ફરિયાદી બનાવાયા છે.તેની ફરિયાદ પરથી આરોપી પ્રવિણ સામે ખૂનનો ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ છે.આરોપી જયહિન્દ હોટલના માલિક યુનુસભાઈ જૂણેજાના મકાનમાં રહે છે.આ ઘટનામાં આરોપી પ્રવીણ રમેશભાઈ વાઘેલા(ઉ.22)ને પણ માથામાં ઇજા થતાં પોલીસ જાપતામાં જ તેમને સિવિલ હોસ્પિટલે સારવાર આપવામાં આવી હતી.

મૃતક કરણે ચાર વર્ષ પહેલાં બાવાજી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
જંકશન મેઈન રોડ પર ગઈકાલે બપોરે કરણ ઠાકોર નામના યુવાનની હત્યા થતા પ્ર.નગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.આ મામલે પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક કરણે ચાર વર્ષ અગાઉ અંકિતા કમલેશભાઈ ગૌસ્વામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.તેમને એક પુત્ર રુદ્રાક્ષ(ઉ.2) છે.કરણના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version