rajkot

ગોંડલ રોડ ચોકડીએ ટ્રાફિક સમસ્યા ઉકેલવા ફૂટપાથ ખસેડાશે

Published

on

રાજકોટની ગોંડલ રોડ ચોકડીએ ટ્રાયએન્ગલ ઓવરબ્રીજ બનાવ્યા બાદ સર્વિસ રોડ ઉપર ખાનગી બસો અને પેસેન્જર વાહનોના આડેધડ ખડકલાના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે ફરિયાદ અને સંકલન વિભાગની બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પ્રશ્ર્ન ઉઠાવ્યા બાદ ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના પેધીગયેલા અધિકારીઓ દેડતા થયા છે અને આજે ગોંડલ રોડ ચોકડીએ દોડી જઈ ટ્રાફિક સમસ્યાનો અભ્યાસ કરી ફૂટપાથ હટાવવાનો નિર્ણય લીધો હતો.
આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચનાથી એડિશનલ સી.પી. વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડી.સી.પી. પૂજા યાદવ તથા સ્ટાફ ગોંડલ રોડ ચોકડી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે રોડ એન્જિનિયરીંગ વિષયમાં બ્રિજ ઉતરતા ફૂટપાથ ત્રણ ફૂટ અંદર ખસેડવાથી રોડ પહોળો થાય અને વાહનો સરળતાથી પસાર થઈ શકે તેમ હોય ફૂટપાથ ત્રણ ફૂટ અંદર ખસેડવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગોંડલ રોડ ચોકડીએ ઓવરબ્રીજ બન્યા બાદ પણ એન્જિનિયરીંગ ખામી અને સર્વિસ રોડ ઉફર આડેધડ ખાનગી વાહનોના પાર્કિંગના કારણે સવારે 8થી 11 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી ભારે ટ્રાફિક જામ થાય છે. સર્વિસ રોડ ઉફર તેમજ બ્રીજ ઉપર પોલીસની મીઠી નજર હેઠળ ખાનગી બસ ચાલકો તેમજ પેસેન્જરની હેરફેર કરતી મોટર કાર્સ તથા ઓટોરિક્ષાઓ અડધો રોડ દબાવીને આડેધડ ઉભી રહી જાય છે. જેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે.
આ બારામાં તાજેતરમાં મળેલી ફરિયાદ અને સંકલન વિભાગની બેઠકમાં ધારાસભ્ય રમશભાઈ ટીલાળાએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. અને ટ્રાફિક સમસ્યા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અંતે ટ્રફિક સમસ્યા હલ કરવા ફૂટપાથ ત્રણ ફૂટ અંદર ખસેડવા નિર્ણય લેવાયો છે. ત્યારે સર્વિસ રોડ અને બ્રીજ ઉપર અડધો રસ્તો દબાવીને ઉભા રહી જતા ખાનગી વાહનચાલકો સામે પણ ટ્રાફિક પોલીસ લાલ આંખ કરે તો ટ્રાફિકની ઘણીખરી સમસ્યા હલ થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version