ડમી શાળાઓનું દૂષણ યથાવત, તંત્રના તાબોટા

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર અસર, શાળાઓ ગજવા ભરવામાં “મસ્ત”, અધિકારીઓ ‘ફરજ’ માં વ્યસ્ત સરકારનો આદેશ મળે તો તપાસ થાય અને ત્યારબાદ ફરી સ્થિતિ જૈસે થે,…

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર અસર, શાળાઓ ગજવા ભરવામાં “મસ્ત”, અધિકારીઓ ‘ફરજ’ માં વ્યસ્ત

સરકારનો આદેશ મળે તો તપાસ થાય અને ત્યારબાદ ફરી સ્થિતિ જૈસે થે, માત્ર નોટિસ આપી માની લેવાય છે સંતોષ

એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાર વગરના ભણતરની વાત કરી રહ્યું છે પરંતુ વાલીઓ તેમના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવા અર્થે જે કોચિંગ ક્લાસમાં મોકલે છે તેનાથી ઘણા અન્ય પ્રશ્નો પણ ઊભા થાય છે JEE, NEET જેવા વિષયોની પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે અનેક એવા ક્લાસીસ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં તેઓએ શાળાએ જવાનું ન હોય પરંતુ તેમનું નામ કોઈ એક શાળામાં બોલતું હોય જેને ડમી સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. મહત્વનું એ છે કે આજ દિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રકારના પગલાઓ આ શાળાઓ પર લેવામાં આવ્યા છે પરંતુ ઘણાખરા કિસ્સામાં એ કામ શક્ય બનતું નથી એટલું જ નહીં ડમી સ્કૂલના કારણે જે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર હોવું જોઈએ તેમાં પણ ઘણાખરા અંશે ઘટાડો થાય છે . અગાઉ સરકાર દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો કે તેમના દ્વારા તેમના વિસ્તાર અને જિલ્લામાં જે પણ ડમી શાળાઓ ચાલતી હોય તેના પર આકરા પગલાં લેવામાં આવે.

પરંતુ એકાદ વખત શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ શું યોગ્ય નિર્ણય અને પગલાં લેવામાં આવ્યા તેનો કોઈ અંદાજો હજી સુધી સામે આવ્યો નથી. હવે આગામી દિવસોમાં આવી ડમી શાળાઓ સામે કડક પગલા લેવામાં આવશે કે કેમ તે અંગે અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મોટાભાગે ધો.10 નો અભ્યાસ પૂર્ણ કરીને વિધાર્થીઓ કોચિંગ ક્લાસમાં જોડાય જતા હોય છે. આ દરમિયાન તેમનું નામ ડમી વિધાર્થી તરીકે શાળાઓમાં ચાલતું હોય છે, શિક્ષણ બોર્ડે પાઠવેલા પરિપત્રમાં જણાવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી IIT, IIM,, મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ સીધા જ કોંચિગ ક્લાસીસમાં જ પ્રવેશ લઈ લેતા હોય છે.

જો કે બીજી તરફ આવા વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થી બનીને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ પર જ પ્રવેશ મેળવે છે. ડમી વિદ્યાર્થી તરીકે પોતાનું નામ ચાલુ રાખવા માટે શાળાઓ તોતિંગ ફી પણ વસૂલ કરતી હોય છે. આવી ડમી સ્કૂલોમાં શિક્ષકો કાગળો પર જ હોય છે. સૂત્રોનું કહેવું છે કે ગમે તેમ પહોંચ કરીને આ ડમી સ્કૂલના સંચાલકો ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર પણ પોતાની શાળામાં મંજૂર કરાવી, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવાય છે. આમ ગુજરાતના શિક્ષણને લાંબા ગાળાનું નુકસાન થતું હોય તેની તપાસ માટે શિક્ષણ બોર્ડે આદેશ આપ્યા છે.

ડમી વિદ્યાર્થીઓને લઈ અવાર-નવાર શિક્ષણ વિભાગ દ્વારા માત્ર તપાસ નાટક હાથ ધરાતું હોવાના શિક્ષણ નિષ્ણાતો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યાં છે. કારણ કે, રાજ્યની સ્કૂલો જે નિયત સમયે ચાલે છે એ જ સમયે ગુજરાતના મોટા શહેરોમાં ચાલતા કોચિંગ ક્લાસમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. આ વિદ્યાર્થીઓના કોઈને કોઈ શાળામાં ડમી નામ ચાલતાં હોય છે.

જો ખરેખરે ડમીકાંડ બંધ જ કરવો હોય તો સરકાર સીધી કોચિંગ ક્લાસમાં જ રેડ પાડી વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થા વિશે પૂછપરછ કરે તો આખાયુ કારસ્તાન સામે આવી જાય. પરંતુ સરકારના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના સંતાનો જ આ પ્રકારે ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.