આશરે 45 વર્ષના યુવાનના હાથપગ બાંધેલા અને ગળા ઉપર ઈજાના નિશાન, મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડાયો
રાજકોટની ભાગોળે નારણકા ગામ નજીક આવેલા ફોરેસ્ટની વીડીમાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતાં કોટડાસાંગાણી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આશરે 45 વર્ષના યુવાનના હાથ પગ બાંધી લાશને વીડીમાં ફેંકી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગળા ઉપર ઈજાના નિશાન હોય પોલીસે હાલ ફોરેન્સીક માટે મૃતદેહને રાજકોટ ખસેડયો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ નજીક કોટડાસાંગાણી પોલીસ મથક વિસ્તારમાં આવતાં નારણકા ગામની સીમમાં પોલીસની વીડીમાં આજે સવારે એક યુવાનની લાશ પડી હોવાની જાણ સરપંચે પોલીસને કરી હતી. કોટડાસાંગાણી પોલીસ મથકના પીઆઈ ડામોર તેમજ એલસીબી પીઆઈ જે.પી.રાવ, એસઓજીના પીઆઈ પારઘી સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતાં આશરે 45 થી 50 વર્ષના આ યુવાનના હાથ પગ બાંધી દીધેલા જોવા મળ્યા હતાં. તેમજ ગળા ઉપર ઈજાના નિશાન હોય આ બનાવ હત્યાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે સ્થળ ઉપર જરૂરી કાર્યવાહી કરીને લાશને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડી છે. પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.
નારણકા આસપાસ ઔદ્યોગિક એકમો હોય આ યુવાન પરપ્રાંતિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નારણકાની ફોરેસ્ટની વીડીમાં જ્યાં લાશ મળી ત્યાં આસપાસના વિસ્તારોમાં ત્યાં હાલ સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું છે.
તેમજ પોલીસની અલગ અલગ ટીમો નારણકા તેમજ પડવલા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં આવતાં કારખાનાઓમાં જઈ મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ કરી રહી છે. આ યુવાનને નારણકાની સીમમાં જ મારી નાખવામાં આવ્યો કે પછી અન્ય સ્થળે હત્યા કર્યા બાદ લાશને અહિં ફેંકી દેવામાં આવી તે બાબતે પોલીસે તપાસ માટે એફએસએલની ટીમંને સ્થળ ઉપર બોલાવી તપાસ કરાવી છે. હત્યાના બનાવની જાણ થયા બાદ પોલીસે હવે પ્રથમ તો મૃતકની ઓળખ મેળવવા અને ત્યારબાદ હત્યારાઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં ગુમસુદા થયેલા આશરે 40 થી 45 વર્ષની ઉંમરના ગુમસુદાઓની યાદી પોલીસે મંગાવી મૃતકની ઓળખ મેળવવા માટે હાલ તપાસ શરૂ કરી છે.

