જેલમાં મહિલાઓની સ્થિતિ સૌથી દયનીય, કુટુંબ જ તેમનો બહિષ્કાર કરે છે: હાઇકોર્ટ

સુઓમોટો રીટ પિટિશનની સુનાવણીમાં માર્મિક ટકોર, સુપ્રીમના આદેશ બાદ ઓપન કરેકશનલ ઈન્સ્ટિટ્યૂટ કમિટી બનાવાઇ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઓપન કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂશન મુદ્દે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો…

સુઓમોટો રીટ પિટિશનની સુનાવણીમાં માર્મિક ટકોર, સુપ્રીમના આદેશ બાદ ઓપન કરેકશનલ ઈન્સ્ટિટ્યૂટ કમિટી બનાવાઇ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઓપન કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂશન મુદ્દે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પિટિશન કરવામાં આવી છે. જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે મહિલા કેદીઓની વ્યથા અંગે માર્મિક ટકોર કરી હતી. ખંડપીઠે ટકોર કરી હતી કે,જેલની અંદર સૌથી ખરાબ રીતે પ્રભાવિત જો કોઇ કેદીઓ હોય છે, તો એ મહિલા કેદીઓ છે. મોટાભાગની મહિલા કેદીને સમાજ કે ઘરમાં પરત સ્વીકાર કરવામાં આવતી નથી. એકવાર એ જેલમાંથી મુક્ત થયા પછી તેમનું કુટુંબ પણ તેમને સ્વીકારતું નથી. કેમ કે મહિલાઓ કોઇ આર્થિક ઉપાર્જન કરતી નથી, તેમને કુટુંબના લોકો કોઇ કામના સમજતાં નથી. એમની મુક્તિ બાદ સમાજમાં એમની પુન:સ્થાપના પડકાર સૌથી મોટો હોય છે. તેઓ જેલમાંથી નીકળ્યા બાદ આખા જીવન એકાંકી જીવન વિતાવે છે અને કોઇ તેમને પૂછવા વાળું હોતું નથી.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે એવી ટકોર કરી હતી કે,જ્યારે કોઇ મહિલાને ખુદ તેના ઘરના સભ્યો જીવનમાંથી કાઢી મૂકે, ત્યારે તેઓ કઇ માનસિક યાતનામાંથી પસાર થતી હશે એની કલ્પના કરવી પણ અઘરી છે. આપણા સમાજની આ સૌથી કડવી વાસ્તવિકતા છે. તેથી આવી મહિલાઓનું આત્મગૌરવ પાછું જગાવવું અત્યંત જરૂૂરી છે. જો એકવાર તેમનું આત્મગૌરવ જાગી જાય તો તેમને પછી કોઇની પણ જરૂૂર રહેશે નહીં. અમને એવો વિશ્વાસ છે કે આ માટે જે કમિટીનું ગઠન થયું છે, એ આ બધા મુદ્દે ચોક્કસથી પરામર્શ અને વિચાર કરશે.

શુક્રવારે આ કેસની સુનાવણીમાં એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે OCI સ્ટેટ મોનિટરિંગ કમિટીની રચના થઈ ચૂકી છે. આ મોનિટરિંગ કમિટી OCI સેન્ટરમાં જઈને નિરીક્ષણ કરશે અને સુપ્રીમને રિપોર્ટ મોકલશે. કમિટીના ચેરમેન ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી છે. OCI ફેસિલિટી વધારવા માટે જમીન પણ મેળવવી પડશે. આ કેસની વધુ સુનાવણી હવે 24મી જુલાઈના રોજ યોજાશે.