ખસીકરણ માટે લવાતા 100 થી વધુ શ્ર્વાનને ‘બેરેક’માં રખાય છે ઠાંસી ઠાંસીને, ઓપરેશન બાદ પૌષ્ટિક આહાર આપવાના બદલે પાણી નાંખેલી છાશ અને માત્ર એક વાટકો ભાત !
જીવદયા પ્રેમીઓએ કરેલી જનતા રેડ, લાલ બંગલા સર્કલ ખાતે શ્ર્વાનપ્રેમીઓનું રોષ પ્રદર્શન
જામનગર મહાનગરપાલિકા સંચાલિત શ્વાન ખસીકરણ કેન્દ્રમાં રાખવામાં આવતા શ્વાનોની દયનીય સ્થિતિ સામે આવતાં શહેરના જીવદયા પ્રેમીઓ અને શ્વાનપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જીવદયા કાર્યકરોના આક્ષેપ મુજબ ખસીકરણ માટે લાવવામાં આવતા શ્વાનોને પૂરતો ખોરાક અને પીવાનું પાણી આપવામાં આવતું નથી, જેના કારણે અનેક શ્વાનો ભૂખ અને તરસથી તડપી રહ્યા છે તેમજ કેટલાકના મૃત્યુ પણ થયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીવદયા પ્રેમીઓએ લાલ બંગાલ સંકલે એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્વાન ખસીકરણની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. જોકે આ એજન્સી સામે અગાઉ અન્ય શહેરોમાં પણ બેદરકારી અને ગેરરીતિના આક્ષેપો થઈ ચૂક્યા હોવા છતાં તેને કામગીરી સોંપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જીવદયા પ્રેમીઓના જણાવ્યા મુજબ શહેરની બહાર આવેલા કેન્દ્રમાં આશરે 100 જેટલા શ્વાનો રાખવામાં આવ્યા છે. ત્યાં મુલાકાતે ગયેલા કેટલાક કાર્યકરોએ શ્વાનોની સ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું જણાવ્યું હતું. આક્ષેપ છે કે કેન્દ્રમાં પૂરતી ખોરાક વ્યવસ્થા નથી, પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી પાણીની મોટર બંધ હોવાથી શ્વાનો તરસથી વ્યાકુળ બની રહ્યા છે.
કાર્યકરોના જણાવ્યા અનુસાર શ્વાનોને ખોરાક તરીકે માત્ર ભાત અને મર્યાદિત માત્રામાં છાશ આપવામાં આવે છે, જેમાં પણ પાણી ભેળવવામાં આવતું હોવાનું કહેવાય છે. પરિણામે સર્જરી બાદ આરામ અને પોષણની જરૂૂરિયાત ધરાવતા શ્વાનોની તબિયત વધુ ખરાબ થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખસીકરણની કામગીરી દરમિયાન જરૂૂરી પશુચિકિત્સકીય ધોરણોનું પાલન થતું નથી. નિયમ મુજબ નિષ્ણાત પશુચિકિત્સકની સતત હાજરી જરૂૂરી હોવા છતાં અઠવાડિયામાં એકાદ વખત જ ડોક્ટર આવતાં હોવાનો અને એક જ દિવસે મોટી સંખ્યામાં સર્જરીઓ ઉતાવળમાં પૂર્ણ કરવામાં આવતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સર્જરી બાદની સારવાર, દવાઓ, પાટા-બેન્ડેજ અને આરોગ્ય સંભાળમાં પણ ગંભીર બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપો થયા છે.
આ સમગ્ર મુદ્દે શહેરના જીવદયા પ્રેમીઓ અને શ્વાનપ્રેમીઓએ લાલ બંગલા સર્કલ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે બોલી ન શકતા જીવને બચાવો, પશુઓ પર અત્યાચાર બંધ કરો અને અમાનવીય વર્તન બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી. વિરોધ કરનારાઓએ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, પશુપાલન વિભાગ તથા પ્રાણી કલ્યાણ બોર્ડને સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ કેન્દ્રમાં રહેલા શ્વાનોને તાત્કાલિક યોગ્ય ખોરાક, પાણી અને સારવાર ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
ખસીકરણ થયેલા શ્ર્વાનની સંખ્યા સહિતના ભેદી હિસાબો
જીવદયા પ્રેમીઓએ વધુમાં જણાવ્યું હતું કે ખસીકરણ માટે જે વિસ્તારોમાંથી શ્વાનોને પકડવામાં આવે છે, તે જ વિસ્તારોમાં તેમને પરત છોડવાની સુપ્રીમ કોર્ટ તથા પ્રાણી કલ્યાણ બોર્ડની માર્ગદર્શિકા છે. છતાં અનેક વખત શ્વાનોને અન્ય વિસ્તારોમાં છોડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સ્થાનિક શ્વાનો સાથે ઝઘડા સર્જાય છે અને કેટલીક વખત ઇજાઓ તથા મૃત્યુની ઘટનાઓ પણ બને છે. કાર્યકરોનો એવો પણ આક્ષેપ છે કે કેન્દ્રમાં મૃત્યુ પામતા શ્વાનોનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવતો નથી અને કેટલા શ્વાનો પકડાયા, કેટલાનું ખસીકરણ થયું અને કેટલાને પરત છોડવામાં આવ્યા તેનો પારદર્શક હિસાબ જાહેર કરવામાં આવતો નથી.
સેન્ટરની પાણીની મોટર લાંબા સમયથી બંધ: સ્વૈચ્છિક સંસ્થાના દેકારા બાદ પાણીનું ટેન્કર મંગાવ્યું
જામનગરની જીવદયા જીવ દયા સંસ્થાના કેટલાક કાર્યકરોએ પાણીની મોટર સંદર્ભે અંદર ફરિયાદો કરી હતી, અને ઘણા સમયથી પાણીની મોટર બગડી ગઈ હોવાથી પાણીનો સદંતર અભાવ છે, જેના કારણે અનેક અબોલ જીવો પાણી વિના તરફડી રહ્યા છે. આજે આવા કેટલાક કાર્યકરોએ જઈને દેકારો મચાવ્યો હતો, ત્યારબાદ સેન્ટરના વ્યવસ્થાપકો દ્વારા તાત્કાલિક અસરથી પાણીનું ટેન્કર મંગાવ્યું હતું, અને રાત્રે આખરે શ્વાનોને પાણી મળતું થયું છે. એ પણ માત્ર એકાદ બે દિવસ પૂરતું જ સુવિધા છે. પાછી ફરીથી આવી કાળજાળ ગરમીમાં પાણીની મોકાણ યથાવત છે. જેના કારણે મૂંગા પશુઓ પીડાઈ રહ્યા છે. જીવ દયા પ્રેમીઓની મુલાકાત સમયે અનેક શ્વાનો પીડાઈ રહ્યા હતા, અને તેઓના ચિત્કાર પણ સાંભળવા મળતા હતા.
