રાજકોટ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જ્યારે કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગે ત્યારે જ એને કામગીરી કરવાનું સુઝે છે તેવી એક છાપ છે. મનપાના શાસકો અને અધિકારીઓની આ જ વર્ષો જૂની નીતિ અને ઢીલાશનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. ચોમાસા દરમિયાન જે કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ, તે કામગીરી ચોમાસું વિતી ગયા બાદ હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર વહી જતાં વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર હર્યાભર્યા અને ઊંચા લાવવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તેમજ બોર રિચાર્જ કરવાની મહત્વકાંક્ષી યોજનાઓ બનાવવામાં આવી છે. 667 સ્થળે બોર રિચાર્જ માટે હવે ચોમાસા પછી છેક ડીપીઆર(ખર્ચના અંદાજ સહિત ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવામા આવશે અને તે સરકારમાં મોકલીને મંજૂરી આવ્યા બાદ બોર રિચાર્જની કામગીરી હાથ પર લેવામા આવનાર છે તેવી સતાવાર માહિતી ગત જનરલ બોર્ડમાં માગવામા આવેલી વિગતનો જવાબ જાહેર કરવામા આવ્યો છે.
ચોમાસામાં જ્યારે કરોડો ગેલન વરસાદી પાણી વેડફાઈ ગયું, ત્યારે તંત્ર ઊંઘતું રહ્યું અને હવે ચોમાસું પૂરું થયા બાદ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી રહી છે. તંત્રની આ ઘોર બેદરકારીનો ખુલાસો તાજેતરમાં યોજાયેલી મનપાની જનરલ બોર્ડની ભરી સભામાં થયો હતો. સામાન્ય સભા દરમિયાન શાસક પક્ષ ભાજપના જ જાગૃત નગરસેવક ડો. રીંકલભાઈ મેઘાણીએ મનપા શાસકો અને તંત્રને ઘેરતા સવાલો પૂછ્યા હતા. તેમણે વિગત માગી હતી કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કઈ-કઈ કામગીરી કરવામાં આવી છે? ભવિષ્યમાં આ અંગે કઈ રીતનું આયોજન અને પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે?
નગરસેવકના આ પ્રશ્નના જવાબમાં મનપાના વહીવટી તંત્ર દ્વારા જે લેખિત વિગતો આપવામાં આવી, તેનાથી તંત્રની કાગળ પરની કામગીરી ખુલ્લી પડી ગઈ હતી. તંત્ર દ્વારા આપેલા જવાબમાં જણાવાયું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 667 જગ્યાઓ પર બોર રિચાર્જ કરવા માટે હાલ ડીપીઆર (DPR) બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ DPR તૈયાર થઈ ગયા બાદ તેને રાજ્ય સરકારમાં નાણાકીય અને વહીવટી મંજૂરી માટે મોકલવામાં આવશે. સરકારમાંથી મંજૂરીની મહોર મારવામાં આવ્યા બાદ પ્રત્યક્ષ રીતે બોર રિચાર્જની કામગીરી શરૂૂ કરવામાં આવશે.
એટલું જ નહીં, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તંત્રએ એવો મોટો દાવો પણ કરી દીધો છે કે, આવતા ચોમાસા સુધીમાં આ તમામ 667 બોર રિચાર્જની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
બીજી તરફ, મનપાના તંત્રએ એવો પણ દાવો કર્યો છે કે રાજકોટમાં આવેલી સરકારી મિલકતો અને સરકારી ઈમારતો હોય તેવી 430 જગ્યાઓ પર રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.
અહીં સવાલ એ થાય છે કે જો 430 જગ્યાઓએ કામગીરી થઈ ગઈ હોય તો પણ બાકીના વિસ્તારોમાં બોર રિચાર્જ માટે ચોમાસા પછી જ કેમ જાગૃતિ આવે છે? જો આ ઉઙછ ચોમાસા પહેલા જ બનાવીને મંજૂર કરાવી લેવાયો હોત, તો આ વર્ષે પણ કરોડો લીટર વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાયું હોત અને શહેરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા હોત.
