માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ નો-પાર્કિંગઝોન જાહેર

શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક અને આવશ્યક પગલું લેવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર…

શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક અને આવશ્યક પગલું લેવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકને અવરોધતા અનધિકૃત પાર્કિંગ સામે રોક લગાવવા માટે આ સમગ્ર વિસ્તારને અધિકૃત રીતે ’નો-પાર્કિંગ’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સંદર્ભે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

શહેરમાં માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના માર્ગ પર સાયકલ ચાલકોની સલામતી તથા સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિશેષ રૂૂપે ’સાયકલ ટ્રેક’ વિકસાવવામાં આવ્યો છે. પરંતુ, વાસ્તવિક સ્થિતિ એવી હતી કે આ સાયકલ ટ્રેક તેમજ તેની સાથે જોડાયેલ સર્વિસ રોડ અને ફૂટપાથ પર અવારનવાર ખાનગી અને અન્ય વાહનો બેફામપણે પાર્ક કરી દેવામાં આવતા હતા. આ ગેરકાયદે પાર્કિંગના કારણે સાયકલ ટ્રેકનો મૂળ ઉપયોગ સંપૂર્ણપણે અવરોધિત થતો હતો, જેના પરિણામે સાયકલ ચાલકોને જીવના જોખમે મુખ્ય માર્ગ પર વાહનોની વચ્ચેથી પસાર થવાની લાચારી ભોગવવી પડતી હતી. 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના સાયકલ ટ્રેક, સર્વિસરોડ અને ફૂટપાથ ઉપર થતા અનઅધિકૃત પાર્કિંગના કારણે માત્ર ટ્રાફિક વ્યવસ્થા જ અસ્તવ્યસ્ત થતી નહોતી, પરંતુ ગંભીર પ્રકારના માર્ગ અકસ્માતો સર્જાવાની સંભાવના પણ સતત બનેલી રહેતી હતી. અગાઉ પણ તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનો પાર્ક કરતા વાહનચાલકો સામે નિયમાનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તેમ છતાં ઘણા લોકો દ્વારા નિયમોની અનદેખી કરીને પોતાના વાહનો ત્યાં જ પાર્ક કરવામાં આવતા હતા, જે રાહદારીઓ માટે ભારે અડચણરૂૂપ બનતું હતું.

આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આ માર્ગને સત્તાવાર રીતે ’નો-પાર્કિંગ’ ક્ષેત્ર જાહેર કર્યો છે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ જાહેરનામું સામાન્ય જનતા અને વાહનચાલકો માટે સખત છે, પરંતુ કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને કેટલાક વાહનો માટે મુક્ત રાખવામાં આવ્યું છે. આ જાહેરનામું ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં કાર્યરત સરકારી વાહનોને લાગુ પડશે નહીં.