ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ડખ્ખામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે વધુ બે ગુના નોંધાયા

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના માત્ર બે દિવસ પહેલાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવવા અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ…

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના માત્ર બે દિવસ પહેલાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવવા અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર સુર્યસિંહ ડાભી સહિતના સમર્થકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના રાઇટર રૂૂમમાં હોબાળો મચાવી પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.

જિગ્નેશ મેવાણી તથા તેમના સાથીદારો અને સમર્થકોના સાતેક માણસોના ટોળા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ સરકારી ફરજમાં રુકાવટ, ધાકધમકી, વિવાદસ્પદ નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા તેમજ આદર્શ આચારસંહિતા અને જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની અરજીના અનુસંધાને પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે પેથાપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પીઆઈ દ્વારા પૂછપરછની કામગીરી ચાલુ હતી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આશરે 20 લોકોના ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.
જીગ્નેશ મેવાણી અને સૂર્યસિંહ ડાભી સહિતના લોકોએ પોલીસ સ્ટેશન બહાર બેસીને ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરીને વીડિયો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ પણ કરવામાં આવ્યા હતા. મનપા ચૂંટણી ટાણે જાહેરનામાનો ભંગ કરી પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસ બદલ પોલીસે જીગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી અને મુલચંદભાઇ સહિત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નં. 4ના કોંગ્રેસ ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક મુનાફ હબીબભાઈ પઠાણે અન્ય ઉમેદવારના પ્રચારક નિલેષ વિષ્ણુ પંચાલને ’આ અમારો વિસ્તાર છે, અહીં પ્રચાર કરવો નહીં નહીંતર હાથ-પગ નહીં રહે’ તેવી ધમકી આપી હતી. આ અંગે નિલેષ પંચાલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.