રાજકોટમાં દિવાળી પર 8 સ્થળે ઉભી થશે હંગામી ફાયર ચોકી

રાજકોટની ઉત્સવપ્રિય જનતા સલામત રીતે દીવાળી પર્વ ઉજવી શકે તેવા હેતુથી મહાપાલિકાએ શહેરીજનોને ફાયર સેફ્ટીનું કવચ આપવા માટે ખાસ આયોજન કર્યુ છે. દીવાળીના આગલા દિવસથી…

રાજકોટની ઉત્સવપ્રિય જનતા સલામત રીતે દીવાળી પર્વ ઉજવી શકે તેવા હેતુથી મહાપાલિકાએ શહેરીજનોને ફાયર સેફ્ટીનું કવચ આપવા માટે ખાસ આયોજન કર્યુ છે. દીવાળીના આગલા દિવસથી બેસતા વર્ષની સવાર સુધી કાયમી 8 ફાયર સ્ટેશન ઉપરાંત સમગ્ર શહેરને આવરી લેવામા આવે અને સંભવિત દુઘર્ટના સમયે કોઇપણ સ્થળે ઝડપથી પહોંચી શકાય તે માટે 8 સ્થળે હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામા આવશે.

શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટના કચરાથી માંડી રહેણાંક મકાન, ઇમારત અને દુકાનોમાં આગ લાગવાની ઘટના દીવાળીના તહેવારમાં બને છે. સળગતુ રોકેટ કે અન્ય કોઇ ફટાકડાની નાની એવી ચિંગારી પણ મોટી દુઘર્ટના સર્જે છે. આમતો મહાપાલિકા દર વર્ષે દીવાળીના તહેવારમાં વધારાની ફાયર સેફ્ટીનું આયોજન કરે છે. આ વખતે પણ તેની આગોતરી તૈયારી કરી લેવામા આવી છે.

સંભવિત દુઘર્ટનામાં શક્ય તેટલી ઝડપથી પહોંચી શકાય તે માટે છુટાછવાઇ જગ્યાએ હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામા આવશે. આ વખતે અલગ અલગ 8 સ્થળે હંગામી ફાયર સ્ટેશન રહેશે. જ્યા ફાયર ફાયટર, જવાનો તેમજ બચાવ કામગીરીના તમામ સાધનો સાથે સુરક્ષા વ્યવસ્થા તૈનાત રહેશે.

આ સ્થળે રહેશે હંગામી ફાયર સ્ટેશન
(1) મુખ્ય બજારને કવર્ડ કરી શકાય તે માટે ધર્મેન્દ્ર રોડ પર.
(2) ગુંદાવાડી બજાર સુધી ઝડપથી પહોંચી શકાય એ માટે સોરઠિયા વાડી સર્કલ પર.
(3) સંતકબીર રોડ પર.
(4) પંચાયત ચોકમાં
(5) ફટાકડા બજાર સદર(ફૂલછાબ ચોક)
(6) નાના મવા ચોકડી
(7) રેસકોર્સ રિંગરોડ
(8) સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે

ફાયર બ્રિગેડના 160 જવાનોનો સ્ટાફ રહેશે ખડેપગે
8 કાયમી અન 7 હંગામી ફાયર સ્ટેશનમાં કુલ 160 કર્મચારીનો સ્ટાફ ખડેપગે રહેશે. બેસતાવર્ષની સવાર સુધી તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામા આવી છે. અનિવાર્ય સંજોગોમાં રજા લેવાની થાય તો ચીફ ફાયર ઓફિસરની પરવાનગી લેવી પડશે.