નોરતામાં રીયલ એસ્ટેટ ધમધમ્યું : ઓકટોબરમાં 14000થી વધુ દસ્તાવેજ

ભાદરવા મહિનો અને શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાંની સાથે જ રાજકોટ શહેર અને જિલ્લાના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં શ્રાદ્ધ…

ભાદરવા મહિનો અને શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાંની સાથે જ રાજકોટ શહેર અને જિલ્લાના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં શ્રાદ્ધ પક્ષના કારણે મિલકતોની લે-વેચમાં આવેલા મોટા ઘટાડા બાદ ઓક્ટોબર મહિનામાં જમીન-મકાનના દસ્તાવેજ નોંધણીમાં મોટો ઉછાળો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લાની કુલ 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં માત્ર 12,528 દસ્તાવેજો નોંધાયા હતા, જેની સામે ઓક્ટોબર મહિનામાં આ આંકડો વધીને કુલ 15,094 દસ્તાવેજે પહોંચ્યો છે. આમ, એક જ મહિનામાં 2,566 જેટલા વધુ દસ્તાવેજો નોંધાતા પ્રોપર્ટી માર્કેટમાં ઉત્સાહનો સંચાર થયો છે અને સરકારી તંત્રને સ્ટેમ્પ ડ્યુટી તેમજ નોંધણી ફી પેટે કરોડો રૂૂપિયાની જંગી આવક થઈ છે.

ઓક્ટોબર મહિનાના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, રાજકોટ શહેરમાં મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરી ફરી મોખરે રહી છે, જ્યાં સૌથી વધુ 2,018 દસ્તાવેજોની નોંધણી થઈ છે. સપ્ટેમ્બરમાં મોરબી રોડ પર 1,836 દસ્તાવેજ નોંધાયા હતા, જેમાં સીધો 182 દસ્તાવેજનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત મવડી ઝોનમાં 1,305, રતનપરમાં 1,108, નાના મવા કચેરીમાં 994, રૈયા રોડ પર 984, કોઠારીયામાં 900, રાજકોટ-1 (શહેર)માં 815 અને રાજકોટ રૂૂરલ કચેરીમાં 830 દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન થયું છે. સપ્ટેમ્બરમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં 13 થી 27 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જેની સરખામણીએ ઓક્ટોબરમાં તમામ ઝોનમાં જોરદાર રિકવરી જોવા મળી છે.

બીજી તરફ, રાજકોટ ગ્રામ્ય અને તાલુકા મથકોમાં પણ મિલકતોની ખરીદીમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. જિલ્લાની 10 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ગોંડલ તાલુકો સૌથી આગળ રહ્યો છે, જ્યાં ઓક્ટોબર મહિનામાં વિક્રમી 1,306 દસ્તાવેજો નોંધાયા છે, જે સપ્ટેમ્બરના 1,067 કરતાં 239 વધુ છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર ગણાતા લોધિકામાં 968 દસ્તાવેજ, જેતપુરમાં 710, કોટડા સાંગાણીમાં 556, જસદણમાં 391, ઉપલેટામાં 377, પડધરીમાં 328, ધોરાજીમાં 282, વિંછીયામાં 123 અને જામકંડોરણામાં 96 દસ્તાવેજો નોંધાયા છે. આમ, જિલ્લા મથકોએ પણ પ્રોપર્ટીના સોદાઓમાં તેજી જોવા મળી છે અને સપ્ટેમ્બર મહિનાની મંદી પાછળ છૂટી ગઈ છે.

નાનામવા સબ રજિસ્ટ્રાર આવકમાં નંબર-1
દસ્તાવેજોની નોંધણીમાં થયેલા આ નોંધપાત્ર વધારાથી રાજ્ય સરકારની તિજોરી પણ છલકાઈ છે. ઓક્ટોબર મહિના દરમિયાન રાજકોટ જિલ્લાની તમામ કચેરીઓ મળીને કુલ ₹11.94 કરોડથી વધુની નોંધણી ફી (Total Fees) અને ₹72.37 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી(Used Duty) વસૂલવામાં આવી છે. આમ, સમગ્ર મહિના દરમિયાન કુલ ₹84.32 કરોડથી વધુની કુલ મહેસૂલી આવક એકત્ર થઈ છે. જેમાં સૌથી વધુ આવક નાના મવા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ₹11.30 કરોડ, મોરબી રોડ કચેરીમાંથી ₹9.62 કરોડ અને મવડી કચેરીમાંથી ₹9.60 કરોડ પ્રાપ્ત થઈ છે. શ્રાદ્ધ પક્ષની વિદાય અને તહેવારોની શરૂૂઆત સાથે જ બિલ્ડરો અને પ્રોપર્ટી ડીલરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.