Site icon Gujarat Mirror

રાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા

રાજકોટના હિરાસર એરપોર્ટ પર હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોના-ચાંદીની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના વારાણસીથી એર કાર્ગો મારફતે લવાયેલો ચાંદીનો એક મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સ્થાનિક વેપારી આલમ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુજરાત એટીએસ ને મળેલી ચોક્કસ અને ગુપ્ત માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઓપરેશન પાર પાડી એરપોર્ટ ઉપરથી 401 કિલો ચાંદી સાથે કુરિયર કંપનીના કમર્ચારીની ધરપકડ કરી તપાસ કરતા આ 401 કિલો ચાંદી માંથી 181 કિલો બિનહિસાબી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે ઈડી અને જીએસટી વિભાગને જાણ કરવામાં આવતા બન્ને એજન્સી એ તપાસમાં ઝંપલાવ્યું છે.

ગુજરાત એટીએસને મળેલી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે એરપોર્ટ પર કડક વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી અંદાજે 401 કિલોગ્રામ ચાંદીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જથ્થા અંગેના બિલ અને કાયદેસરના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી અને વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસના અંતે, આ કુલ જથ્થામાંથી 181 કિલોગ્રામ ચાંદી સંપૂર્ણપણે બિનહિસાબી અને શંકાસ્પદ જણાતા એજન્સીઓ દ્વારા તેને વિધિવત રીતે જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલી ચાંદીની બજાર કિંમત કરોડો રૂૂપિયા હોવાનું આંકવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર હેરાફેરીના તાર રાજકોટના સ્થાનિક નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલી ’સનરાઈઝ પેઢી’ દ્વારા આ ચાંદીનો કરોડોનો જથ્થો વાયા મુંબઈ થઈને રાજકોટના સ્થાનિક સોની વેપારીઓ માટે મોકલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડનગર પાસે સ્થિત પ્રસિદ્ધ ’બ્લુ ડાર્ટ’ કુરિયર કંપનીની ઓફિસનો એક કર્મચારી જ્યારે આ ચાંદીની ડિલિવરી લેવા માટે એરપોર્ટ પહોંચ્યો ત્યારે એજન્સીઓએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. હાલ આ કર્મચારીની અટકાયત કરીને કુરિયર કંપનીની ભૂમિકા અને મુખ્ય સૂત્રધારો અંગે અધિકારીઓ દ્વારા સઘન અને આકરી પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે. આ મગાવાયેલી ચાંદી પાછળ કરોડો રૂૂપિયાની જીએસટી અને ઇનકમટેક્સ ની મોટી ચોરી કરવાનું વ્યવસ્થિત કૌભાંડ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

ગુજરાત એટીએસની ટીમે પકડેલી ચાંદી સાથે રજૂ કરવામાં આવેલા કેટલાક બિલો અને દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ જ બોગસ અને શંકાસ્પદ જણાયા છે. સોના-ચાંદીના બજારમાં કરચોરી કરવા માટે ’બોગસ બિલિંગ’ નો આશરો લેવાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મામલાની ગંભીરતા અને આર્થિક ગુનાના વ્યાપને જોતા સેન્ટ્રલ આઈબી, ડીજીજીઆઈ , એટીએસ, ઇનકમટેક્સ અને સ્ટેટ જીએસટી ની ટીમો સંયુક્ત રીતે તપાસમાં ઝંપલાવ્યું છે. આટલી મોટી માત્રામાં કિંમતી ચાંદીની ગેરકાયદે હેરફેર પાછળ કોઈ મોટું આંતરરાજ્ય હવાલા નેટવર્ક કે ગેરકાયદેસર આર્થિક ગતિવિધિઓ સક્રિય છે કે કેમ, તે દિશામાં ગુપ્તચર એજન્સીઓ અત્યંત બારીકાઈથી અને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

એટીએસના એસીપી વીરજીતસિંહ પરમાર સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ આ કેસનું ક્રોસ-વેરિફિકેશન કરી રહી છે. આગામી સમયમાં રાજકોટના કયા-કયા નામાંકિત અને મોટા સોની વેપારીઓના નામે આ માલ મગાવાયો હતો અને અગાઉ આવા કેટલા પાર્સલ આવી ચૂક્યા છે તેની વિગતો પણ ડિજિટલ રેકોર્ડના આધારે ખંખાલાઈ રહી છે. આ ઓપરેશનને પગલે સ્થાનિક સોની બજાર અને બુલિયન ટ્રેડર્સમાં ભારે ફફડાટ અને ચકચાર મચી જવા પામી છે.

Exit mobile version