ટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા

ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ગામ મેઘપર ઝાલામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મોરબી…

ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

ગામ મેઘપર ઝાલામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં વાડીની જમીન માપણીના મામલે થયેલા વિવાદમાં કાકા-ભત્રીજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ડબલ મર્ડરની ઘટનામાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના સગા ભત્રીજાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે અને પોલીસનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે આવેલી વાડીની જમીનની માપણીનું કામ ચાલી રહ્યું હતું. જમીનની સત્તાવાર માપણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરહદ નક્કી કરવા માટે જમીન પર ખૂંટા મારવામાં આવ્યા હતા. આ માપણી અને ખૂંટા મારવા અંગે પાડોશમાં ખેતર ધરાવતા ખેડૂત સાથે કોઈ પ્રશ્ન ઊભો થયો હતો. આથી, ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલસિંહ ઝાલાએ પાડોશી ખેડૂતને ફોન કરીને આ બાબતે સ્થળ પર ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા.

જયપાલસિંહે ફોન કરીને બોલાવતા જ પાડોશમાં ખેતર ધરાવતા બે સગા ભાઈઓ સામાન્ય ચર્ચા કરવાના બદલે પૂર્વ આયોજિત કાવતરાની જેમ ઘાતક તીક્ષ્ણ હથિયારો સાથે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ત્યાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર સ્વરૂૂપમાં પરિણમી હતી. આવેશમાં આવી ગયેલા બંને પાડોશી ભાઈઓએ જયપાલસિંહ અને તેમના ભત્રીજા પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘાતકી હુમલો કરી દીધો હતો.

આ હુમલો એટલો ભયાનક અને જીવલેણ હતો કે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા વાગવાને કારણે જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ ઝાલા બંને લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. હુમલાખોરો ગુનો આચરીને નાસી છૂટ્યા હતા, જ્યારે ગંભીર ઈજાઓના કારણે કાકા-ભત્રીજા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જમીન માપણીનો સામાન્ય વિવાદ પલભરમાં ડબલ મર્ડરમાં પલટાઈ જતાં નાના એવા ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે.

આ બેવડી હત્યાની જાણ થતાં જ ટંકારા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો મેઘપર ઝાલા ગામે દોડી ગયો હતો. ગામમાં પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ (ઙખ) અર્થે ટંકારાની સરકારી/સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના યુવાન ભત્રીજાની ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે સ્થાનિક રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં મેઘપર ઝાલા ગામના દિગ્વિજયસિંહ ઝાલાએ આરોપી મહેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો નોંધાવ્યો હતો.