Site icon Gujarat Mirror

અનાથ તરૂણીની લાચારીનો ફાયદો ઉઠાવી ડ્રગ પેડલર બનાવી ?

જંગલેશ્ર્વરના કુખ્યાત દંપતિએ પાંચ હજાર આપી સગીરાના ઘરમાં 19 કિલો ગાંજો છૂપાવ્યો, અંતે ધરપકડ

શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણને ડામવા માટે એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાનમાં એસ.ઓ.જી. ટીમને મોટી સફળતા મળી છે. કાલાવાડ રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં દરોડો પાડી એસઓજીની ટીમે 19 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક કિશોરીની અટકાયત કરી છે. આ જથ્થો છુપાવવા માટે આપનાર જંગલેશ્વરના કુખ્યાત દંપતીને પણ પોલીસે દબોચી લીધા છે. પિતાના અવસાન બાદ એકલી રહેતી કિશોરીની લાચારીનો લાભ ઉઠાવી નશાના કાળા કારોબારમાં ધકેલવાના ષડયંત્રનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.

એસ.ઓ.જી. પી.આઈ. એસ.એમ.જાડેજાની સૂચનાથી પી.એસ.આઈ. વી.કે.ઝાલા અને તેમની ટીમે કાલાવાડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન ક્વાર્ટરમાંથી કુલ 19.061 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની અંદાજિત કિંમત રૂૂ.9.53 લાખ છે. એસઓજીએ આ જથ્થો કબજે કરી ત્યાં રહેતી એક સગીર વયની કિશોરીની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. કિશોરીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે જંગલેશ્વરના નામચીન દંપતી સોયબ ઉર્ફે કચુ તૈલી અને તેની પત્ની જેબા એ આપ્યો હતો. સોયબ અને જેબા મંગળવારે કારમાં અમદાવાદ ગયા હતા અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈ ચોટીલા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ એસ.ટી. બસમાં રાજકોટ આવ્યા હતા. પોલીસના ડરથી બચવા માટે આ દંપતીએ કિશોરીને રૂૂ. 5,000 આપવાની લાલચ આપી હતી અને તેના ઘરે આ માદક પદાર્થ છુપાવવા માટે આપ્યો હતો. પકડાયેલ આરોપી સોયબ અગાઉ પણ માદક પદાર્થોની હેરાફેરીમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તે અગાઉ જંગલેશ્વરની કુખ્યાત રમાને પણ માદક પદાર્થ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે.

એસ.ઓ.જી.ની ટીમે આ મામલે સગીર કિશોરી સહિત સોયબ અને જેબાને સકંજામાં લઈ વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાના અવસાન બાદ એકલી રહેતી કિશોરીની લાચારીનો લાભ ઉઠાવી નશાના કાળા કારોબારમાં ધકેલનારા તત્વો સામે એસઓજીએ લાલ આંખ કરી છે. આ જથ્થો અમદાવાદમાં કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં કોને વેચવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બી.બસીયાની સુચનાથી એસઓજીના પોલીસ ઈન્સપેક્ટર એસ.એમ.જાડેજા,પીએસઆઈ વી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા, અરૂૂણભાઇ બાંભણીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, મહાવીરસિંહ ઝાલા, રવીરાજભાઈ ધગલ, મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા મહીલા પોલીસ કોન્સ્ટેબલ મોનાબેન બુસા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version