ચાંદીપુરા વાઈરસ સામે તંત્ર એલર્ટ, ઝનાનામાં ખાસ વોર્ડ શરૂ કરાયો

10 બેડના વોર્ડમાં તબીબો-નર્સિંગ સહિત 30ના સ્ટાફને ત્રણ શિફટમાં ડ્યૂટી સોંપાઇ ઈંખઅ દ્વારા પણ બાળકોને સુરક્ષિત રાખવા જાગૃતિ અભિયાન ગુજરાતમાં ધીરેધીરે ચાંદીપુરા વાયરસ ગંભીર સ્વરૂપ…

10 બેડના વોર્ડમાં તબીબો-નર્સિંગ સહિત 30ના સ્ટાફને ત્રણ શિફટમાં ડ્યૂટી સોંપાઇ

ઈંખઅ દ્વારા પણ બાળકોને સુરક્ષિત રાખવા જાગૃતિ અભિયાન

ગુજરાતમાં ધીરેધીરે ચાંદીપુરા વાયરસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ બાળકોના આ વાયરસથી દુ:ખદ મૃત્યુ નિપજ્યા છે. ત્યારે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં એલર્ટ રહેવા અને અગમચેતીના પગલા ભરવા સુચના આપી છે. જેના પગલે રાજકોટની સરકારી ઝનાના હોસ્પિટલમાં છઠ્ઠા માળે 10 બેડનો ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલના સત્તાવર સુત્રોના કહેવા મુજબ હાલ રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી. પરંતુ અગમચેતીના પગલા રૂપે ઝનાના હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. જેમાં 10 ડોક્ટર અને 20 નર્સિંગ સ્ટાફને ત્રણ શિફટમાં ડ્યુટી સોંપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ 14 વર્ષથી નાના બાળકોમાં જ થતો હોવાથી લોકોને બાળકો પ્રત્યે સાવચેતી રાખવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઇ ચોક્ક એન્ટિવાય દવા ઉપલબ્ધ નથી, જરૂર પડે તો ઓક્સિજન અને આંચકી આવે તો તેની દવા આપવામાં આવે છે. તેથી સતત તાવ, ઊલટી, આંચકી, બેભાન થવા જેવા લક્ષણ બાળકોમાં દેખાય તો તુરંત જ સારવાર લેવા સલાહ આપવામાં આવી છે.

દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ગુજરાતે તમામ માતા-પિતા અને વાલીઓને અપીલ કરી છે કે બાળકોના આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખો. સ્વચ્છતા જાળવો, સેન્ડફ્લાયના પ્રજનન સ્થળો દૂર કરો અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર તબીબી સારવાર મેળવો.

રાજ્યના નાગરિકોને ચાંદીપુરા વાયરસ અંગે સતર્ક રહેવા અને જરૂૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને0 થી 15 વર્ષના બાળકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. ચાંદીપુરા વાયરસની અસર ઝડપથી મગજ પર થઈ શકે છે. તેથી વહેલી ઓળખ, સમયસર સારવાર અને સેન્ડફ્લાયથી બચાવ જ સૌથી અસરકારક સુરક્ષા છે.

ચાંદીપુરા વાયરસએ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસજન્ય ચેપ છે. જે સંક્રમિત સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે. આ રોગ ઝડપથી મગજને અસર કરી શકે છે અને ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફલાય નામની નાની માખી દ્વારા ફેલાય છે. ઉપરાંત કેટલાક સંજોગોમાં મચ્છર અને અન્ય રક્તચૂસક જીવાતો દ્વારા પણ તેનો ફેલાવો થઈ શકે છે.

ચાંદીપુરા વાઈરસના લક્ષણો
અચાનક તાવ આવવો
ઊલટી થવી
બેભાન થવું
સતત ઊંઘ આવવી અથવા બાળક સુસ્ત રહેવું
ગંભીર સ્થિતિમાં કોમા પણ આવી શકે છે.
માથાનો ભારે દુખાવો
શરીરમાં નબળાઈ
આંચકી (Fits/Convulsions) આવવી
બોલવામાં અથવા ચાલવામાં તકલીફ

બચવા માટેના સાવચેતીના પગલાં

વ્યક્તિગત સ્વચ્છતા રાખો
ઘરની અંદર અને બહાર સ્વચ્છતા રાખો.
મચ્છરદાનીનો ઉપયોગ કરો.
જીવાત ભગાડવાની દવા અથવા ક્રીમનો ઉપયોગ કરો.
આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો
ગટર અને નાળીઓ સાફ રાખો.
બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવો.
પૌષ્ટિક આહાર આપો.
હાથ વારંવાર સાબુથી ધોવો
જીવાતોથી બચો
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો.
પાણી ભરાઈ રહેવા ન દો.
કચરો ખુલ્લો ન રાખો.
બાળકોની ખાસ કાળજી લો
સાંજના સમયે બહાર રમવાનું ટાળો.