Site icon Gujarat Mirror

સુરતમાં પેકેજિંગ યુનિટમાં આગ, ગૂંગળાઇ જવાથી 5ના મોત

એક માસુમ બાળકનો પણ ભોગ લેવાયો, શોર્ટ સરકીટથી લાગેલી આગમાં આઠ ટન મટિરિયલ ખાખ

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હતા. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું. જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોર્મ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં તણખાં ઝરતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી. જો કે, ફોર્મ આગ ન પકડતું હોવાથી ધૂમાડો ફેલાયો હતો. જેથી તેમાં રહેલા કેમિકલ વાળા ધૂમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગૂંગળામણથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘરમાં સાડીઓનાં 8 ટન મટીરીયલ પડયું હતું.

આ વિસ્તારમાં ઘરઘરાઉ સાડીઓના કામમાં ગૃહસ્થ મહીલાઓ બહુ મોટી સંખ્યામાં જોડાયેલી જોવા મળે છે. સુરતનો મુખ્ય ટેક્ષટાઇલ ઉદ્યોગ ભંગાણને આરે આવ્યા પછી પણ આ ઘરઘરાઉ સાડીના વેચાણ કેન્દ્રો હજુ ધમધમી રહ્યા છે. જેમાં ફાયર સેફટીની કોઇ જ વ્યવસ્થા હોતી નથી. આવા કેટલાક ઘરમાં તો બહારથી દરરોજ 25-50 અન્ય બહેનો મજુરી કામે આવે છે અને સાડીના પેકીંગ તથા વેચાણમાં, ટ્રાન્સપોર્ટ- કુરિયર માર્ગે રવાના કરવાના કામો સંભાળે છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં લગ્નસરાની ખરીદી માટે સુરત હવે શોપિંગ કેપીટલ બની ગયું છે.

ફાયર બિગ્રેડની ટીમો આવી પહોંચ્યા પછી પણ ઘટનાસ્થળે ધુમાડો એટલો બધો હતો કે કંઇ જોઇ શકાતું ન હતું. એથી ફાયરમેનોને અંદર પ્રવેશવામાં સમય લાગ્યો હતો. જયારે તેઓ પ્રવેશ્યા ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. જો કે ખાસી ખાતા અને ધુંધવાયેલા શ્વાસથી મુંઝાયેલા અન્ય કેટલાક મહીલાઓને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોના નામ
શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65)
હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ.18)
શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4)
શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28)
પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19)

Exit mobile version