આજે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળતા બજારમાં હાહાકાર મચી ગયો હતો. થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 900 પોઈન્ટ સુધી તૂટી પડ્યો, જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો.
શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE Sensex ગઈકાલના બંધ ભાવ 74,649.84 ની સામે ઘટીને 73,833.75 ના દૈનિક નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે આશરે 816 પોઈન્ટનો મોટો કડાકો દર્શાવે છે. બીજી તરફ, NSE Nifty 50 પણ ગઈકાલના બંધ ભાવ 23,483.55 ની સામે ઘટીને 23,265.25 ના સ્તરે આવી ગયો છે, જેમાં આશરે 218 પોઈન્ટનો ગાબડો નોંધાયો છે.
બજારની સૌથી મોટી ચિંતા IT સેક્ટરમાં જોવા મળી હતી. ગઈકાલે તેજીનો ઝંડો લહેરાવનારા IT શેરો આજે ધડાધડ તૂટી પડ્યા હતા. TCS 6 ટકાથી વધુ ગગડ્યો, ટેક મહિન્દ્રા 4 ટકાથી વધુ તૂટ્યો, જ્યારે ઇન્ફોસિસ અને HCL ટેકના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
મિડકેપ IT શેરોમાં પણ ભારે કડાકો નોંધાયો હતો. Persistent 5 ટકા, Mphasis 3 ટકા અને Coforge લગભગ 3 ટકા સુધી તૂટતા રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
બજારના નિષ્ણાતોના મતે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામ સામે હુમલા અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોએ વૈશ્વિક બજારોમાં નકારાત્મક અસર પેદા કરી છે. બીજી તરફ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ ભારતીય શેરબજાર પર વધુ દબાણ ઊભું કર્યું છે.
