મોરબી શહેરમાં તાજેતરમાં એક જ દિવસમાં 12 થી 15 લોકોને કુતરાએ બચકા ભરતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દર્દીઓની લાઈન લાગી હતી તે બનાવમાંથી પણ તંત્રએ કોઈ સબક લીધો ના હતો અને તંત્રની નીમ્ભરતાને કારણે આઠ વર્ષના માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સિરામિક ઝોનમાં એક આઠ વર્ષના માસૂમને શ્વાને બચકા ભરતા ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું.
મોરબીના જેતપર રોડ પર આવેલ ટાઈટેનિયમ વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરતા કૃપાલભાઈ માલવીયાના આઠ વર્ષના પુત્ર કૃણાલ પર રખડતા શ્વાને હુમલો કરી દીધો હતો આઠ વર્ષના કૃણાલને શ્વાને બચકા ભરતા ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું કરુણ મોત થયું હતું જે બનાવથી સમગ્ર પંથકમાં શોક સાથે ગુસ્સાની લાગણી ભભૂકી ઉઠી છે નીમ્ભર તંત્ર કોઈ પગલા ભરતું નથી જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવાના પણ દાવા અનેક થયા છે જોકે હજુ શહેર રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત થયું નથી અનેક વિસ્તારમાં આજે પણ આખલા યુદ્ધને કારણે લોકોન જીવ તાળવે ચોટી જતા હોય છે તો એવો જ ત્રાસ રખડતા શ્વાનોનો છે પરંતુ તંત્ર કોઈ નકકર કામગીરી કરતી નથી જેને પગલે બે દિવસ પૂર્વે 12 થી 15 નિર્દોષ નાગરિકોને શ્વાને બચકા ભર્યા હતા તો આઠ વર્ષના માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વીજ કરંટથી મોત
હળવદના ગોલાસણ ગામની સીમમાં વીજ કરંટ લાગવાની પ્રથમ ઘટનામાં, મૂળ કચ્છના રાપરના વતની અને હાલ નારાયણભાઈ સાવડીયાની વાડીએ મજૂરી કરતા નરેશભાઈ ધનજીભાઈ કોળી (ઉં.વ. 27) મગફળીના પાકમાં પાણી વાળી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ઝટકા મશીનના વાયર પર પડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે.
જૂના લીલાપરમાં આપઘાત
મોરબી તાલુકાના જુના લીલાપર ગામે રહેતા મહેશભાઈ ધનજીભાઈ ગણેશિયા (ઉં.વ. 30) નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મજૂરી કામ કરતા આ યુવાને કયા સંજોગોમાં આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ રહસ્ય છે. મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
