Site icon Gujarat Mirror

ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ: ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધનું મોત

ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ગઇકાલે રસ્તા પર ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતા અને સિક્યુરિટીમાં નોકરી કરતા માવજીભાઇ ખીમાભાઇ પારધી (ઉ.વ.61)નામના વૃધ્ધ પોતાનુ બાઇક લઇ ગોંડલ બેંકે જતા હતા ત્યારે ધોધાવદર નજીક રસ્તામાં ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થઇ ગયુ હતુ અને માવજીભાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. તેઓને સંતાનમાં બે દિકરા છે. તેઓના મોતથી પરિવારમાં શોક છવાયો છે. ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરને કારણે અગાઉ ઘણી વખત ગોંડલમાં અકસ્માત સર્જાયા છે અને નીર્દોષ લોકોના જીવ ગયા છે.

Exit mobile version