એક મહિના સુધી બંન્નેને ડિઝિટલ અરેસ્ટ રાખ્યા, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
થોડા સમય પહેલાં ભુજમાં નિવૃત્ત મહિલા પીએસઆઈ અને તેના પૂર્વે કેરાના એનઆરઆઈને ડિજિટલ અરેસ્ટ કરી બંને પાસેથી 83.44 લાખ અને એક કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી, જ્યારે હવે ગાંધીધામમાં રહેતા વૃદ્ધ દંપતીને પણ ડિજિટલ અરેસ્ટ કરી 1.07 કરોડ પડાવી લેવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે.
ફરિયાદી રોમી ડેનિયલ ક્રિશ્ચિયને જણાવ્યું કે, ગત 31 ડિ.થી 28 જાન્યુ. દરમિયાન આ બનાવ થયો હતો. તેઓ પુત્રીના અભ્યાસ માટે પત્ની સાથે વડોદરામાં રહે છે, જ્યારે માતા-પિતા ગાંધીધામમાં રહેતા હતા. તેમના પિતા ડેનિયલ મિંજ અને માતા મરિયમાબેનને અજાણ્યા નંબર પરથી મહિલાએ ફોન કર્યો અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની વાત કરી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં સીબીઆઈ અને કોર્ટના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવામાં આવી, મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી વોટ્સએપ મારફતે હુકમ મોકલવામાં આવ્યા હતા.
અગાઉની મોડસ ઓપરેન્ડી મુજબ અહીં પણ મની લોન્ડરિંગના કેસમાં નરેશ ગોયેલ પકડાયાનું કહી તેની પાસેથી તમારા નામનું ડેબિટ કાર્ડ મળ્યાનું જણાવી આ આંતરરાષ્ટ્રીય કેસમાં તેમને ત્રણથી સાત વર્ષની સજા થશે તેવું જણાવી ડરાવ્યા હતા. એક મહિના સુધી ઓનલાઈન વીડિયો કોલ ચાલુ રખાવી યેનકેન પ્રકારે વિવિધ બેંક ખાતામાંથી રૂૂપિયા 1,07,84,000 પડાવી લેવામાં આવ્યા હતા. પૌત્રીના અભ્યાસ માટે રાખેલી એફ.ડી. પણ તોડી પાડવામાં આવી હતી. આ બાબતે ફરિયાદ થતાં પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.
