જામનગરમાં દરોડા દરમિયાન પોલીસ પાર્ટી પર પથ્થરમારો : બે મહિલા સહિત ચાર શખ્સોનો હુમલો

બાલાજી પાર્ક-3માં પ્લાસ્ટિકનાં સિમેન્ટનાં બાચકાં સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સોને પૂછપરછ કરતાં તૂટી પડ્યા જામનગર શહેરમાં પોલીસની કામગીરી દરમિયાન પોલીસ પાર્ટી પર હુમલાની વધુ…

બાલાજી પાર્ક-3માં પ્લાસ્ટિકનાં સિમેન્ટનાં બાચકાં સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સોને પૂછપરછ કરતાં તૂટી પડ્યા

જામનગર શહેરમાં પોલીસની કામગીરી દરમિયાન પોલીસ પાર્ટી પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના બાલાજી પાર્ક-3 વિસ્તારમાં રામભાઈ ખોળવાળાની શેરી પાસે શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકનાં સિમેન્ટનાં બાચકાં સાથે મળી આવેલા બે મહિલા અને બે પુરુષને પોલીસ તરીકેની ઓળખ આપી પૂછપરછ કરતાં ચારેય ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં બંને મહિલાઓએ પોલીસ કોન્સ્ટેબલને પકડી રાખ્યા હતા, જ્યારે બે પુરુષોએ પથ્થર વડે હુમલો કરી તેમને જાનથી મારી નાખવાના ઇરાદે માથા સહિતના ભાગે ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. સાથેના અન્ય પોલીસ કર્મચારીને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે એન્ટી નાર્કોટિક્સ વિંગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા (બકલ નંબર 248)એ સિટી-સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ, ગત તા. 22 નવેમ્બરના રાત્રિના આશરે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી દિવ્યરાજસિંહ જાડેજા તથા તેમની સાથેના પોલીસ કર્મચારી હરવિજયસિંહ કાયદેસરની સરકારી ફરજ પર હતા. દરમિયાન બાલાજી પાર્ક-3માં રામભાઈ ખોળવાળાની શેરી પાસે ચાર શખ્સો પ્લાસ્ટિકનાં સિમેન્ટનાં બાચકાં સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી બાચકાંમાં શું છે અને તેને ખોલવા અંગે પૂછતાં ચારેય શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં મીરા ડામોર અને રાધા ડામોર નામની બંને મહિલાઓએ ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલને પકડી રાખ્યા હતા, જ્યારે ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર નામના બંને પુરુષોએ ત્યાં પડેલા પથ્થર વડે હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે, દાઢી, કાન તથા ડાબા ખભા પર પથ્થરના ઘા માર્યા હતા. ઉપરાંત જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે સાથેના પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહને પણ ચારેયએ ઢીકાપાટુનો માર મારી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી.
આ હુમલામાં એકબીજાને મદદગારી કરી પોલીસની કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરવા ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.