કાલાવડના નાગપુરમાં 600થી વધુ શંકાસ્પદ લગ્નો નોંધાયાનો ઘટસ્ફોટ

કાલાવડ તાલુકાના માત્ર 700 જેટલી વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 431 લગ્નની નોંધણી થયાના પ્રકરણમાં હવે એક પછી…

કાલાવડ તાલુકાના માત્ર 700 જેટલી વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 431 લગ્નની નોંધણી થયાના પ્રકરણમાં હવે એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આરટીઆઈ હેઠળ મળેલી વિગતોના આધારે શરૂૂ થયેલો આ મામલો હવે માત્ર લગ્ન નોંધણીની અસામાન્ય સંખ્યા પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ ગ્રામ પંચાયતના વહીવટ, લગ્ન નોંધણીની પ્રક્રિયા, સાક્ષીઓ, સ્થળની વિગતો અને કથિત નાણાકીય વ્યવહારો સુધી પહોંચ્યો છે.

સૌથી મહત્ત્વની નવી બાબત એ સામે આવી રહી છે કે અગાઉ આરટીઆઈમાં બહાર આવેલી 431 લગ્ન નોંધણી ઉપરાંત પણ અન્ય નોંધણીઓ થઈ હોવાની ચર્ચા છે અને સ્થાનિક સ્તરે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આંકડો 600થી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ આંકડાની સત્તાવાર ખરાઈ થવી હજુ બાકી છે. જો આ વિગતો સાચી સાબિત થાય તો માત્ર 700ની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં લગ્ન નોંધણીના નામે ચાલેલી સમગ્ર પ્રક્રિયા અત્યંત ગંભીર તપાસનો વિષય બની શકે છે.

ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક લોકો સાથે થયેલી પ્રાથમિક વાતચીતમાં એવી વિગતો પણ સામે આવી રહી છે કે લગ્ન નોંધણી કરાવવા માટે યુવક-યુવતીઓ અથવા તેમના વતી આવનારાઓ પાસેથી રૂૂ.10 હજારથી માંડીને રૂૂ.20થી 25 હજાર સુધીની રકમ લેવામાં આવતી હોવાની ચર્ચા છે. આ રકમ કોણ વસૂલતું હતું, કોના સુધી પહોંચતી હતી અને તેની પાછળ કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાર્યરત હતી કે કેમ તે તપાસનો મહત્ત્વનો મુદ્દો બન્યો છે. જોકે, આ નાણાકીય વ્યવહારો અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ સમગ્ર પ્રકરણમાં સૌથી ગંભીર સવાલ એ ઊભો થયો છે કે નાગપુર ગ્રામ પંચાયતમાં જે યુવક-યુવતીઓનાં લગ્ન નોંધાયેલા છે, તે પૈકી મોટાભાગનાં યુગલો ક્યારેય નાગપુર ગામમાં આવ્યાં જ ન હોવાની વિગતો ચર્ચામાં આવી રહી છે. લગ્નની વિધિ અને સમગ્ર વ્યવસ્થા રાજકોટ, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અથવા અન્ય સ્થળોએ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સંજોગોમાં લગ્ન નાગપુર ગામમાં થયા હોવાના આધારે નોંધણી કેવી રીતે થઈ? લગ્ન કરનાર યુવક-યુવતી ખરેખર પંચાયત સમક્ષ હાજર થયાં હતાં કે કેમ? તેમની ઓળખ અને સરનામાંની ખરાઈ કોણે કરી હતી? અને લગ્ન નોંધણી માટે રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઊઠ્યા છે.
લગ્ન નોંધણીનાં દસ્તાવેજોની તપાસ દરમિયાન વધુ એક આશ્ચર્યજનક બાબત સામે આવી રહી છે. ચર્ચાતી વિગતો મુજબ, મોટી સંખ્યામાં લગ્ન નોંધણીમાં સાક્ષી તરીકે એક જ અથવા બે વ્યક્તિઓનાં નામ વારંવાર દર્શાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. 600થી વધુ લગ્નની નોંધણીમાં મર્યાદિત વ્યક્તિઓ જ સાક્ષી તરીકે હાજર રહ્યા હોય તો તેમની ભૂમિકા અને ઓળખની ખરાઈ કરવી અત્યંત જરૂૂરી બની છે.

આ ઉપરાંત, લગ્ન નોંધણી સાથે દર્શાવવામાં આવેલા સ્થળના પુરાવા અંગે પણ સવાલો ઊઠ્યા છે. કેટલીક નોંધણીમાં મહાદેવ મંદિરનો ઉલ્લેખ અને ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ મંદિર નાગપુર ગામમાં નહીં, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો ખંઢેરા ગામના મંદિરને નાગપુર ગામનું દર્શાવીને લગ્ન નોંધણી કરવામાં આવી હોય તો તે બાબતની સ્થળ તપાસ અને દસ્તાવેજોની ખરાઈ જરૂૂરી બની છે.

આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી સરપંચ નરેન્દ્ર રામજી સિંગલ અને તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડાની ભૂમિકા અંગે સવાલો ઊઠતા હતા. હવે ગામના લોકો સાથેની વાતચીત અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન સરપંચના પિતા રામજીભાઈ ગાંગજીભાઈ સિંગલ, જેઓ ’ભૂરો’ તરીકે ઓળખાય છે, તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

પરિવારની જાણ બહાર લગ્ન અને ઘર છોડીને ગયેલાં યુવક-યુવતીઓને પણ પરણાવી દીધા
આ પ્રકરણની શરૂૂઆત જ રાજકોટ જિલ્લાના પડધરી પંથકના ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હતી. પુત્રીની ઉંમર 18 વર્ષ અને બે મહિના થતાં ચોથા જ દિવસે લગ્ન થઈ ગયાની જાણ અને ત્યારબાદ પુત્રીએ પિતાનું ઘર છોડી દેતાં પિતાએ લગ્નની વિગતો મેળવવા તપાસ શરૂૂ કરી હતી. ત્યારબાદ નાગપુર ગામમાં લગ્ન નોંધણી થયાની વિગતો બહાર આવતાં આરટીઆઈ મારફતે માહિતી મેળવવામાં આવી હતી. હવે આ પ્રકરણમાં અન્ય પરિવારોનાં પણ લગ્ન નાગપુરમાં નોંધાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં યુવક-યુવતીઓ ઘર છોડીને ગયાં બાદ તેમના પરિવારજનો શોધખોળ કરતાં કરતાં નાગપુર ગામ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી લગ્ન નોંધણીના આ સમગ્ર પ્રકરણ અંગે વધુ વિગતો બહાર આવવા લાગી હતી. હવે આ સમગ્ર મામલામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર લગ્ન નોંધણી રજિસ્ટરની તપાસ પૂરતી કાર્યવાહી ન કરતાં દરેક નોંધણીમાં દર્શાવાયેલા યુવક-યુવતી, સાક્ષીઓ, લગ્નસ્થળ, ફોટોગ્રાફ, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની અલગથી ખરાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.

સરપંચની અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થાય તે માટે દબાણ અને ઉપસરપંચ પર હુમલો ?
ઉપસરપંચ કૌશિકભાઈ કાનાણી એ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી, બેઠક પહેલાં સરપંચના પિતા રામજીભાઈ સિંગલ દ્વારા હુમલો કરાયાની ફરિયાદ
નાગપુર ગામના લગ્ન નોંધણી પ્રકરણની સાથે હવે ગ્રામ પંચાયતના આંતરિક રાજકારણ અને સરપંચ સામે ઊભા થયેલા વિરોધનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ગામના ઉપસરપંચ કૌશિકભાઈ કાનાણી દ્વારા સરપંચ નરેન્દ્ર રામજી સિંગલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે તા.29-09ના રોજ કાર્યવાહી થવાની હતી. આ દરમિયાન ઉપસરપંચ કૌશિકભાઈ ઉપર સરપંચના પિતા રામજીભાઈ ગાંગજીભાઈ સિંગલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ હુમલામાં ઇજા થતાં તેમને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ બનાવ અંગે કૌશિકભાઈ કાનાણી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, અને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતના કુલ પાંચ સભ્યો પૈકી અવિશ્વાસની દરખાસ્તની કાર્યવાહી વખતે અન્ય સભ્યોને હાજર રહેવા ન દેવા અને તેમને ધાકધમકી આપવામાં આવી હોવાની પણ ચર્ચા છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થાય તે માટે સરપંચના પરિવારજનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે.