પડતર પ્રશ્ર્નો મામલે વેકેશન ખૂલતા ગ્રાન્ટેડ શાળા કર્મીઓની રાજ્યવ્યાપી હડતાલ

ગુજરાતની બિન-સરકારી અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એઇડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હજારો કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે ફરી એકવાર મોરચો માંડ્યો છે. લાંબા સમયથી લટકી રહેલી વિવિધ પડતર…

ગુજરાતની બિન-સરકારી અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એઇડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હજારો કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે ફરી એકવાર મોરચો માંડ્યો છે. લાંબા સમયથી લટકી રહેલી વિવિધ પડતર માગણીઓનો નિવેડો લાવવામાં સરકારની નિષ્ફળતા અને તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા રચાયેલી ભરતી પસંદગી સમિતિમાં થયેલી વિવાદાસ્પદ નિમણૂકોના વિરોધમાં કર્મચારીઓએ દિવાળી વેકેશન ખુલ્યા બાદ આગામી 25 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવાની ગંભીર ચેતવણી આપી છે. પાંચ કર્મચારી મંડળોનું પ્રતિનિધિત્વ કરતી સંયુક્ત સમિતિએ આ સંદર્ભે મુખ્યમંત્રીને સીધો પત્ર પાઠવીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને અન્યાયી નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવાની માગણી કરી છે.

સમિતિએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત 23 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલા વિવાદાસ્પદ આદેશ સામે આકરો વાંધો ઉઠાવ્યો છે. આ આદેશ હેઠળ રાજ્યની બિન-સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા માટે રચાયેલી સિલેક્શન કમિટીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના ચોક્કસ પ્રતિનિધિનો સમાવેશ કરવા સામે કર્મચારી સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કર્મચારી સમિતિનો ગંભીર આક્ષેપ છે કે આ નિમણૂકોમાં નિયમો અને યોગ્યતાને નેવે મૂકીને ચોક્કસ સંગઠનને અણછાજતો લાભ પહોંચાડવામાં આવ્યો છે, એટલું જ નહીં પરંતુ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લઈ ચૂકેલા નિવૃત્ત વ્યક્તિઓની પસંદગી કરીને લાગતાવળગતાઓને ગોઠવવાનો પ્રયાસ થયો છે.

આ ઉપરાંત, સમિતિએ રાજ્યમાં નવા મંત્રીમંડળની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, નવા મંત્રીમંડળે સત્તા સંભાળ્યાને એક વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો હોવા છતાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો તેમજ બિન-શૈક્ષણિક વહીવટી કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિરાકરણમાં કોઈ સંતોષકારક કે નક્કર પ્રગતિ જોવા મળી નથી. ભૂતકાળમાં કેબિનેટ કક્ષાએ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકો દરમિયાન સરકાર દ્વારા કર્મચારીઓને અનેક પ્રકારની ખાતરીઓ અને સકારાત્મક નિર્દેશો આપવામાં આવ્યા હતા, પરંતુ જમીની સ્તરે તેમાંથી એકપણ આશ્વાસન વાસ્તવિક અમલમાં પરિવર્તિત થઈ શક્યું નથી, જેને પરિણામે કર્મચારીઓમાં વ્યાપક હતાશા અને રોષ ભભૂકી રહ્યો છે.

સમિતિએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો રાજ્ય સરકાર 25 નવેમ્બર પહેલાં કર્મચારીઓના પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં લાવે અને વિવાદાસ્પદ નિમણૂકો રદ નહીં કરે, તો આગામી 25 નવેમ્બરથીજ્યારે શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂૂ થઈ રહ્યું છેરાજ્યભરમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનો અને આંદોલનાત્મક કાર્યક્રમોનું રણશિંગું ફૂંકી દેવામાં આવશે. શિક્ષણ સત્રના આરંભે જ શાળાઓના કર્મચારીઓ મેદાને ઊતરવાની તૈયારી કરી રહ્યા હોવાથી રાજ્યના શિક્ષણ જગતમાં મોટો ગરમાવો આવી ગયો છે અને જો આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો શૈક્ષણિક કાર્ય પર તેની ગંભીર અસર પડવાની શક્યતા છે.

ભરતી સમિતિમાં પાંચ મોટા સંગઠનોને સભ્યપદ ન અપાયું
કર્મચારી આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ખૂબ મોટું સભ્યપદ ધરાવતા અને વર્ષોથી સક્રિય એવા અન્ય માન્ય સંગઠનો તેમજ તેમના પ્રતિનિધિઓની આ ભરતી સમિતિમાં સદંતર અવગણના કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના આવા એકતરફી અને પક્ષપાતી વલણના કારણે સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ભારે આશ્ચર્ય અને તીવ્ર રોષ વ્યાપી ગયો છે. સમિતિએ આ વિવાદાસ્પદ નિમણૂકોને શિક્ષણ પ્રક્રિયા માટે અત્યંત અન્યાયી ગણાવીને તેને તાત્કાલિક અસરથી રદ કરવાની સ્પષ્ટ માગ કરી છે. જો સરકાર આ વિવાદાસ્પદ હુકમ પાછો નહીં ખેંચે, તો કર્મચારી મંડળોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.