સરાઝા કાંડમાં નિર્દોષ મહિલાઓના ફજેતા સામે ઉઠયા સવાલ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સરાઝા હોટલમાં તા. 31 ઓક્ટોબર, 2026ની મોડી રાત્રે તથા તા. 1 નવેમ્બર, 2026ના વહેલી સવારે દારૂૂ પીવાની આશંકાના આધારે પોલીસ…

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સરાઝા હોટલમાં તા. 31 ઓક્ટોબર, 2026ની મોડી રાત્રે તથા તા. 1 નવેમ્બર, 2026ના વહેલી સવારે દારૂૂ પીવાની આશંકાના આધારે પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન 33 મહિલાઓ સાથે થયેલી કાર્યવાહી સામે ડો. નિદત્ત બારોટે વિરોધ નોંધાવ્યો છે. સાથે જ આ સમારંભની ગેસ્ટ લિસ્ટ મીડિયામાં ફરતી થવા તથા સમારંભમાં હાજર ન હોય તેવી વ્યક્તિઓનાં નામ પણ અખબારોમાં પ્રસિદ્ધ થવા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, દરોડા દરમિયાન મહિલાઓના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં તેમને મોડી રાત્રે પોલીસ વાહનમાં સિવિલ હોસ્પિટલ લઈ જઈ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ડો. બારોટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાના અમલ સામે અમારો કોઈ વિરોધ નથી. પરંતુ નશો કર્યો હોવાનો પ્રાથમિક પુરાવો ન મળ્યો હોય તેવી મહિલાઓને મોડી રાત્રે પોલીસ વાહનમાં ગુન્હેગારની જેમ હોસ્પિટલ લઈ જવામાં આવે, તેમની ગોપનીયતા અને સામાજિક પ્રતિષ્ઠા જોખમાય તથા નિર્દોષ નાગરિકોના નામ મીડિયામાં જાહેર થાય તેવી કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ.

ડો. બારોટે પોલીસતંત્ર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે કે: સમારંભની ગેસ્ટ લિસ્ટ કબજે કોણે કરી? શું પોલીસે તેને તપાસના ભાગરૂૂપે કબજે લીધી હતી? જો તેમ હોય તો તેની જપ્તીની કાયદેસર નોંધ કરવામાં આવી હતી?
ગેસ્ટ લિસ્ટની નકલ કે તસવીરો મીડિયાને કોણે ઉપલબ્ધ કરાવી? પોલીસતંત્રમાંથી કોઈ વ્યક્તિએ તે જાહેર કરી હતી કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી તે બહાર આવી?

સમારંભમાં હાજર જ ન હોય તેવી વ્યક્તિઓનાં નામ અખબારોમાં પ્રસિદ્ધ થવાની પરિસ્થિતિ કોણે ઊભી કરી? તેમનાં નામ ખરેખર કયા આધાર ઉપર પ્રસિદ્ધ થયાં?

ગેસ્ટ લિસ્ટ જાહેર થતાં પહેલાં તેમાં દર્શાવેલી વ્યક્તિઓ ખરેખર હાજર હતી કે કેમ તેની કોઈ ચકાસણી કરવામાં આવી હતી?તપાસને લગતી ખાનગી માહિતી જાહેર થવાથી વ્યક્તિઓની પ્રતિષ્ઠા અને ગોપનીયતાને નુકસાન પહોંચ્યું હોય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે?

ડો. બારોટે જણાવ્યું હતું કે, કોઈ સમારંભના આમંત્રિત મહેમાનોની યાદી અને તે સમારંભમાં ખરેખર હાજર રહેલી વ્યક્તિઓની યાદી બંને અલગ બાબતો છે. માત્ર ગેસ્ટ લિસ્ટમાં નામ હોવાને કારણે કોઈ વ્યક્તિને દારૂૂ પીવાના કિસ્સા સાથે જોડવી એ ગંભીર બાબત છે. જે વ્યક્તિ સમારંભમાં હાજર જ ન હોય તેનું નામ અખબારોમાં આવે તો તેની સામાજિક પ્રતિષ્ઠાને થનારા નુકસાન માટે જવાબદાર કોણ?”

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 43(5) અનુસાર અપવાદરૂૂપ સંજોગો સિવાય સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં મહિલાની ધરપકડ કરી શકાતી નથી. અપવાદરૂૂપ સંજોગોમાં મહિલા પોલીસ અધિકારીએ લેખિત અહેવાલ આપી સક્ષમ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની પૂર્વમંજૂરી મેળવવાની જોગવાઈ છે.

આ કિસ્સામાં મહિલાઓની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી કે તેમને પોલીસ નિયંત્રણ હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી તે સ્પષ્ટ કરવું જરૂૂરી છે. જો ધરપકડ થઈ હોય તો મેજિસ્ટ્રેટની પૂર્વમંજૂરી લેવામાં આવી હતી કે કેમ? જો ધરપકડ ન થઈ હોય તો તેમને પોલીસ સાથે હોસ્પિટલ જવાની ફરજ કઈ કાયદાકીય સત્તા હેઠળ પાડવામાં આવી હતી?

ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 129એ હેઠળ નશો કર્યો હોવાની વાજબી શંકા અને પુરાવા મેળવવા માટે તબીબી તપાસની જોગવાઈ છે. પરંતુ અહેવાલો મુજબ પ્રાથમિક બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં દરેક મહિલાનું બ્લડ સેમ્પલ લેવાની જરૂૂરિયાત કયા ચોક્કસ અને વાજબી કારણોસર ઊભી થઈ તેની તપાસ જરૂૂરી છે.વધુમાં, કલમ 129એ(4) મુજબ મહિલાના લોહીના નમૂના મહિલા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા અથવા તેમની દેખરેખ હેઠળ લેવાના હોય છે. આ કાયદાકીય જોગવાઈનું પાલન થયું હતું કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ.

ડો. બારોટે વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસને કાયદાનો અમલ કરવાની સંપૂર્ણ સત્તા છે, પરંતુ તે સત્તા સાથે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પણ જોડાયેલી છે. કોઈ વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ માત્ર સમારંભમાં હાજર રહેવાને કારણે કે આમંત્રિત મહેમાનોની યાદીમાં નામ હોવાને કારણે કોઈને ગુનેગાર તરીકે રજૂ કરી શકાય નહીં.

“આ બનાવમાં ત્રણ મૂળભૂત પ્રશ્નો છે પ્રથમ, મોડી રાત્રે મહિલાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી કાયદેસર હતી કે કેમ? અને બીજો, ગેસ્ટ લિસ્ટ જાહેર કરીને તેમાં સમાવિષ્ટ તથા સમારંભમાં ગેરહાજર વ્યક્તિઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ કોણે ઊભી કરી? મીડિયા કર્મચારીઓ સામે પોલીસ નું શક્તિ પ્રદર્શન શા માટે ? ત્રણેય પ્રશ્નોના જવાબ પોલીસતંત્રએ આપવા જોઈએ.”

ડો. નિદત્ત બારોટે સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવી સાત દિવસમાં પ્રાથમિક, કારણદર્શક તપાસ અહેવાલ ઉપલબ્ધ કરાવવા તથા કોઈ કાયદાકીય ભંગ અથવા અનધિકૃત માહિતી પ્રસાર થયાનું સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

પોલીસ કમિશનર સમક્ષ મુખ્ય માગણીઓ

1. તમામ 33 મહિલાઓને રાત્રે રોકી રાખવા, હોસ્પિટલ લઈ જવા અને બ્લડ સેમ્પલ લેવા પાછળનાં વ્યક્તિગત તથા કાયદેસર કારણોની ચકાસણી કરવામાં આવે.
2. મહિલાઓની રાત્રિના સમયે ધરપકડ થઈ હોય તો મેજિસ્ટ્રેટની પૂર્વમંજૂરી તથા ધરપકડ સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવે.
3. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટનાં પરિણામો, પોલીસ સ્ટેશન ડાયરી, હોસ્પિટલ રેકોર્ડ, પોલીસ વાહનની લોગબુક અને સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે.
4. મહિલા તબીબની હાજરી, તબીબી તપાસની પ્રક્રિયા અને મહિલાઓની ગોપનીયતા જાળવવા લેવામાં આવેલાં પગલાંની તપાસ કરવામાં આવે
5. સમારંભની ગેસ્ટ લિસ્ટ કોણે, ક્યારે અને કઈ કાયદાકીય પ્રક્રિયા હેઠળ કબજે કરી તથા તેની નકલ મીડિયામાં કયા સ્ત્રોત દ્વારા પહોંચી તેની તપાસ કરવામાં આવે.
6. સમારંભમાં હાજર ન હોય તેવી વ્યક્તિઓનાં નામ અખબારોમાં કેવી રીતે પ્રસિદ્ધ થયાં, તે નામો કોણે આપ્યાં અને તેમની હાજરીની ખરાઈ કરવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવે.
7. મીડિયા કર્મચારીઓ પર બળ પ્રયોગ શા માટે કરાયો ?