ગુજરાત
વ્યાજની ફરિયાદનો ખાર રાખી SPG પ્રમુખ પર વ્યાજખોર સહિત બેનો હુમલો
શહેરના વ્યાજખોરીના બનાવ વધતા જાય છે. ત્યારે શહેરના રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલી જલાલશ પીરની દરગાહ પાસે પહોંચતા એસપીજી ગ્રૂપના પ્રમુખને આંતરી બે શખ્સોએ ધોકાના ઘા ઝીંકી હુમલો ર્ક્યો હતો. આ ઘટનામાં ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સ સામે ગુનો નોંધયો હતો.
વધુ વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર આવેલા ન્યુ સેટેલાઇટ ચોક પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા વિશાલ કાંતિભાઇ રાબડીયા નામના પટેલ યુવાને પોતાની ફરિયાદમાં ધીરુભાઇ ટોળીયા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે ઇમિટેશનનું ધંધો કરે છે. તેમજ માલીયાસણ ચોકડી પાસે યુ.કે.બાઇટ નામની હોટલ ધરાવે છે. ગઇકાલે રાત્રીના સમયે પોતાનું પેડક રોડ પર આવેલું ઇમિટેશનનું કારખાનું બંધ કરી રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલી પોતાની હોટેલ જવા નીકળ્યો હતો ત્યારે જલાલશ પીરની દરગાહ પાસે પહોંચતા પાછળથી ડબ્લ સવારીમાં આવેલા ધીરુ ટોળીયા અને તેની સાથેના અજાણ્યા શખ્સે ધોકા વડે બેફામ માર માર્યો હતો તેમજ ત્યાં માણસો ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.
આ ઘટના બાદ વિશાલભાઇ બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ વિશાલભાઇનું મિત્ર વર્તુળ, પરિવારજનો અને પાટીદાર અગ્રણીઓ તુરંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. વિશાલભાઇ એસપીજીના પ્રમુખ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણે અને સ્ટાફે આરોપી ઝડપી તપાસ શરૂ કરી છે. તેઓએ ફરિયાદમાં કહ્યુ હતુ કે, અગાઉ આર્યનગર શેરી નં.3માં રહેતા ધીરુભાઇ ટોળીયા વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખી તેઓએ હુમલો ર્ક્યો હતો.