ગુજરાત
મનપાના ઇનચાર્જ ફાયર ઓફિસર અનિલ મારૂની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી ખાસ અદાલત
ચાર્જ સંભાળ્યાના 45 દિવસમાં જ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા’તા
રાજકોટ મનપામાં વર્ષ-2024માં ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડમાં જણાયેલ સંડોવણી બાદ અપ્રમાણસર મિલ્કત વાળા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસથી સસ્પેન્ડ થતા ભુજ ખાતે ડીસ્ટ્રકટ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા અનીલ બેચરભાઈ મારૂૂને રાજકોટના ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ સોંપાયેલ. તેઓની એક જ માસની ફરજ દરમ્યાન રૂા.3 લાખના લાંચના કેસમાં રંગે હાથ પકડાઈ જતા રાજકોટની ખાસ અદાલતના જજ વી.એ.રાણા સાહેબે ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસની હકીકત મુજબ તા. 28/05/2024 ના રોજ ટી.આર.પી. ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્યાન ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા અને ઈનચાર્જ ચીફ ફાયર ઓફીસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની સંડોવણી અને ગેરરીતીઓ જણાઈ આવેલ હતી. ભીખાભાઈ ઠેબાની જગ્યાએ ભુજ ખાતે ડીસ્ટ્રીકટ ફાયર ઓફીસર તરીકે વર્ગ-2 ના કર્મચારી અનીલ બેચરભાઈ મારૂને રા.મ્યુ. કોર્પો.માં ચીફ ફાયર ઓફીસરનો ચાર્જ સોંપવામાં આવેલ હતો. વર્ગ-1 ના કર્મચારી તરીકેનો આ ચાર્જ સંભાળ્યાના 45 દિવસની અંદર ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂા.3 લાખની લાંચની માંગણી કરી રૂા.1.80 લાખ સ્વીકારતા રંગે હાથો પકડાઈ ગયેલ આરોપી અનીલ મારૂૂએ પોલીસ તપાસ પુર્ણ થયા બાદ રેગ્યુલર જામીન અરજી રજુ કરેલ હતી.
મારૂ વિરુધ્ધના આ કેસમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વખતે આરોપી તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે પોલીસ તપાસ પુરી થઈ ગયા બાદ કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રોસીકયુશને આરોપી સામેનો કેસ પુરવાર કરવાનો તબક્કો આવે છે. આ મુજબની ટ્રાયલ પુરી ન થાય ત્યાં સુધી આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં રાખવા જરૂૂરી નથી.
સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટી.આર.પી. ગેમઝોનના અગ્નિ કાંડ બાદ 3-3 ચીફ ફાયર ઓફીસરો 4 માસના ગાળામાં લાંચના અને અપ્રમાણસર મિલ્કતના કેસોમાં સંડોવાયેલ હોય ત્યારે છેલ્લા ચીફ ફાયર ઓફીસર અનીલ મારૂની લાંચિયાવૃતિ અપ્રતિમ કહેવાય. પહેલા ચીફ ફાયર ઓફીસર ખેર, અને ત્યારબાદ ઠેબા જયારે લાંચના કેસોમાં ગંભીર રીતે સંડોવાયેલ હોય ત્યારે ભુજના ફાયર ઓફીસર અનીલ મારૂને ચાર્જ સોંપવામાં આવેલ હતો. મારૂને ચાર્જ સોંપાતાની સાથે જ લાંચની અભુતપુર્વ રકમનો કેસ બને ત્યારે ફાયર એન.ઓ.સી. માટે લાંચ આપવી કાયદેસરનો નિયમ હોય તેવી સમજ પ્રજામાં ફેલાય છે. આ સંજોગોમાં ચાર્જશીટ રજુ થઈ જવાથી કોઈ આરોપીને જામીન મળવાના સંજોગો બની જતા નથી.
હાલના કેસમાં અનીલ મારૂૂની ચેમ્બરમાંથી લાંચની રૂા.1.80 લાખની રકમ ઉપરાંત રૂા.50 હજાર બીજા પણ મળી આવેલ હતા જે રકમ અન્ય કેસમાં લીધેલ લાંચની હોવાનું જણાવેલ હતું. આ રીતે હાલના આરોપીએ લાંચના ઉપરા ઉપરી કેસો બનેલ હોવા છતાં લાંચ માંગવાનું ચાલુ રાખેલ છે. આ સંજોગોમાં જયારે જામીન આપવા એ કોઈ નિયમ ન હોય પરંતુ અદાલતની વિવેક બુધ્ધિનો વિષય હોય ત્યારે હાલના આરોપીને જામીન આપવા ન જોઈએ, ખાસ કરીને જયારે અનીલ મારૂના પુરોગામી ભીખાભાઈ ઠેબાની પણ ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે નામંજુર કરેલ હોય. સરકાર તરફેની રજુઆતોના અંતે ઈનચાર્જ ચીફ ફાયર ઓફીસર અનીલ બેચરભાઈ મારૂની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પે. કોર્ટના જજ વી.એ.રાણાએ ફગાવી દીધી હતી. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયેલ હતા.