રિવોલ્વર કાઢી રોફ જમાવનાર અડતાળાના ઉપસરપંચના ઘરે એસ.પી.નું સર્ચ ઓપરેશન, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં ગઈકાલે 18 નવેમ્બરે પાણીની સમસ્યાને લઈને થયેલી રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને રિવોલ્વર કાઢવાની ઘટના બની હતી.…

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં ગઈકાલે 18 નવેમ્બરે પાણીની સમસ્યાને લઈને થયેલી રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને રિવોલ્વર કાઢવાની ઘટના બની હતી. ગામના ઉપસરપંચ અને કોંગ્રેસ અગ્રણી જીતુ વાળા સામે ધોકા વડે હુમલો કરવા તેમજ રિવોલ્વરથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે લાઠી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ મામલે ફરિયાદી અંકિતભાઈ છગનભાઈ સાવકિયાની ફરિયાદના આધારે જીતુભાઈ ભાયાભાઈ વાળા, દિલીપભાઈ ભાયાભાઈ વાળા, નિલેશભાઈ ભીખુભાઈ વાળા, રઘુભાઈ અનકભાઈ વાળા અને મહેશભાઈ ભીખુભાઈ વાળા એમ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે દિલીપભાઈ, નિલેશભાઈ અને રઘુભાઈની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી જીતુ વાળા સહિત બે આરોપીઓ ફરાર થઇ ગયા હોય, જીતુ વાળા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મુખ્ય આરોપી જીતુ વાળા ફરાર હોવાથી આજે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા જયવીર ગઢવી, DYSP વિસ્મય માનસેતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI સી.પી. વાઘેલા, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચના ઙઈં ઇશરાની સહિત લાઠી પોલીસનો મોટો કાફલો અડતાળા ગામે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા જીતુ વાળાના ઘરે કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન PGVCL અને પાણી પુરવઠા વિભાગની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી.

સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના ઘરનું વીજ કનેક્શન કાયદેસર છે કે નહીં તેની PGVCLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગની ટીમે પાણીનું કનેક્શન પણ કાયદેસર છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કાયદાનું પાલન કરવા અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.