મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર

સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ,…

સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન

આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ, સમગ્ર વહિવટીતંત્ર ખડેપગે

બચાવ-રાહત માટે SDRF અને NDRFની 50 ટીમો તૈનાત, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર, લોકોને સાવચેત રહેવા અપીલ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત, ખેડા, આણંદ, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી સહીતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યું છે અને સવારે 6 થી બપોરે બે વાગ્યા સુધીમાં રાજયના 125 તાલુકામાં 1 મીમીથી માંડી 10 ઇંચ વરસાદ ખાબકયો છે અને બપોરે પણ વરસાદ પડી રહ્યો હોવાથી સમગ્ર વહિવટી તંત્ર એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યું છે.

આજે સવારે 6 થી બપોરે બે વાગ્યા સુધીના 8 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9.72 ઇંચ, નડીયાદમાં 7.52 ઇંચ, વસો-બોરસદમાં 7 ઇંચ, ખંભાતમાં 6.5 ઇંચ, નેતરંગ- પેટલાદ- સાગબારા- ડોલવાણ- અંબિકા- ગરૂડેશ્વર-આટેઠ- સુબિર- બારડોલી- મહુધા અને તિલકવાડામાં 5 થી 6 ઇંચ વરસાદ ખાબકયો છે. બપોર સુધીમાં રાજયના 40 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે 17 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ પડયો છે.
ખાસ કરીને વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ ત્રીજા રાઉન્ડની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતા સુરત, વલસાડ, નવસારી સહીતના જિલ્લાઓમાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે.

ગુજરાતમાં ચોમાસાની જામવટ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. આ કુદરતી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર અને રાજ્યનું તમામ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. રાજયના 13 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામા આવી છે. તેમજ લોકોને પણ સાવચેત રહેવા તથા કામ વગર બહાર નહીં નિકળવા અપીલ કરાઇ છે.

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ, રાજ્યના 13 જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા સાથે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તો તે સામે પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાહત અને બચાવ કામગીરીનું રોડમેપ તૈયાર કરાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સુરક્ષા અને પૂર્વસાવચેતીના તમામ પગલાંઓનું કડક અમલીકરણ થઈ રહ્યું છે. જે વિસ્તારોમાં નદીઓનું સ્તર વધવાની અથવા પૂર આવવાની શક્યતા છે, તેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સલામત સ્થળોએ ખસેડવાની (સ્થળાંતર) કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. શેલ્ટર હોમ્સમાં આશ્રય લેનારા લોકો માટે ભોજન, પીવાના પાણી અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે રાહત દળોને સજ્જ કરી દેવાયા છે. રાજ્યભરમાં NDRFની 17 ટીમો અને જઉછઋની 33 ટીમો મળીને કુલ 50 ટીમો અત્યંત સંવેદનશીલ અને બિન-સંવેદનશીલ જિલ્લાઓમાં ગોઠવી દેવામાં આવી છે.

ચોવીસે કલાક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. જો નાગરિકો સજાગ રહેશે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું શિસ્તબદ્ધ રીતે પાલન કરશે, તો આપણો રાજ્ય આ કુદરતી આફતમાંથી પણ સુરક્ષિત રીતે બહાર આવી જશે.

સુરતમાં ફરી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક મહત્વપૂર્ણ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉધના ભીમનગર-ડિંડોલી અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. અંડરપાસ ઉપરાંત ઉધના રોડ નંબર 6 પર આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં પણ જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ફરી વળતાં લોકો પોતાના જ ઘરોમાંથી ડોલ અને વાસણો વડે પાણી બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર 25 દિવસની અંદર આ ત્રીજી વખત બન્યું છે જ્યારે વરસાદી પાણી તેમના ઘરોમાં ઘૂસી ગયા હોય.

એક નેશનલ, 8 સ્ટેંટ હાઇવે સહિત રાજ્યમાં 94 રસ્તાઓ બંધ કરાયા
સાર્વત્રિક અને ધોધમાર વરસાદના કારણે માર્ગ વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી છે. રાજ્યભરમાં નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને જમીન ધસી પડવાની ઘટનાઓને પગલે કુલ 94 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી આફત વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિ વધુ વણસી છે, જ્યાં 1 નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના 8 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 74 જેટલા ગ્રામીણ માર્ગો પણ બંધ થઈ ગયા છે. જિલ્લાવાર આંકડા જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 40 માર્ગો, સુરેન્દ્રનગર જિલ્લામાં 9 માર્ગો તથા નવસારી જિલ્લામાં 8 માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણ થંભી ગયો છે.

સુરત, તાપી, વડોદરા, આણંદ, ખેડામાં 7387 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે રાજ્યભરમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 7387 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 11 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જિલ્લાવાર સ્થળાંતરના આંકડા મુજબ નવસારીમાં સૌથી વધુ 2,082 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાપીમાં 1,245, સુરતમાં 1,221, વડોદરામાં 329, નર્મદામાં 178, આણંદમાં 112 અને ખેડામાં 30 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાહત અને બચાવ કામગીરી દરમિયાન આજના દિવસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લામાં 10 લોકો અને છોટાઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો નદી કાંઠાના ગામો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત કામગીરીમાં વ્યસ્ત છે, જ્યારે લોકોને બિનજરૂૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.