વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને તેની આસપાસનો વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાનશ્રીના સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નો ફ્લાય ઝોન’ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાં અનુસાર પ્રભાસપાટણ ખાતે આવેલ ગોલોકધામ હેલીપેડ, સોમનાથ મંદિર, પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તા, હમીરજી સર્કલ, લીલાવતી ભવન, શંખ સર્કલ, શિવ પોલીસ ચોકી, જી.આઈ.ડી.સી. વિસ્તાર, ગવર્મેન્ટ સર્કિટ હાઉસ (સોમનાથ), ભીડિયા સર્કલ તથા તેનાથી દક્ષિણ દિશામાં આવેલ દરિયાઈ પટ્ટી વિસ્તારની આસપાસના 1 કિ.મી ત્રિજ્યામાં આવતાં તમામ વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

મહાનુભાવોના પ્રવાસ કાર્યક્રમમાં ઉપયોગ થનાર હેલિકોપ્ટર તેમજ ડ્રોનને આ જાહેરનામું લાગું પડશે નહીં. આ જાહેરનામું તા.11/05/2026ના રોજ સવારે 06.00 કલાક થી સાંજના 22.00 કલાક સુધી અમલમાં રહેશે
આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરાયા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.